
NHAI એ જાહેર કરી એડવાઇઝરી.FASTag ના નામે છેતરપિંડી, એન્યુઅલ પાસ લેતાં પહેલા સાવધાન.સાયબર સેન્ટરે નકલી વેબસાઇટ્સની ચોકસાઈ અંગે ચિંતા વ્યક્ત કરી.નેશનલ હાઇવે ઑથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ ફાસ્ટેગ (FASTag) એન્યુઅલ પાસના નામે ચાલી રહેલા એક મોટા ફ્રોડ અંગે જાહેર જનતાને ચેતવણી આપી છે. આ કૌભાંડમાં ઠગ અસલી જેવી જ દેખાતી નકલી વેબસાઇટ્સ બનાવીને લોકોને છેતરી રહ્યા છે. આ નકલી પોર્ટલ્સ ગૂગલ સર્ચમાં ટોપ પર દેખાય તે માટે પેઇડ ઍડ્વર્ટાઇઝમેન્ટ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન જેવી યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે સામાન્ય યુઝર્સ આસાનીથી છેતરાઈ જાય છે. ઑથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય નુકસાનથી બચવા માટે માત્ર વેરિફાઇડ ચેનલ્સનો જ ઉપયોગ કરવો જાેઈએ.
આ છેતરપિંડીની પદ્ધતિ વિશે વિગતવાર જણાવતાં ઑથોરિટીએ કહ્યું કે, જ્યારે યુઝર્સ આવી નકલી વેબસાઇટ્સ પર જાય છે, ત્યારે તેમની પાસેથી મોબાઇલ નંબર, વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને પેમેન્ટની વિગતો જેવી સંવેદનશીલ માહિતી માંગવામાં આવે છે. પેમેન્ટ કર્યા પછી પૈસા સીધા સ્કેમર્સના ખાતામાં જાય છે, પરંતુ યુઝરને કોઈ સત્તાવાર કન્ફર્મેશન મળતું નથી. ઘણીવાર યુઝર્સને નકલી રસીદ આપી દેવામાં આવે છે, જેની હાઇવે પર કોઈ માન્યતા હોતી નથી. ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે કે હવે અસલી અને નકલી વેબસાઇટ વચ્ચે તફાવત પારખવો મુશ્કેલ બની રહ્યો છે. આવા સાયબર ફ્રોડથી બચવા માટે NHAI એ કેટલીક મહત્ત્વની ઍડ્વાઇઝરી જારી કરી છે. યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે ફાસ્ટેગ એન્યુઅલ પાસ જેવી સેવાઓ માટે હંમેશા સત્તાવાર ‘Rajmargyatra’ એપનો જ ઉપયોગ કરવો. આ ઉપરાંત, ઓનલાઇન સર્ચ કરતી વખતે સ્પોન્સર્ડ લિંક કે અજાણી જાહેરાતો પર ક્લિક કરવાનું ટાળવું જાેઈએ. કોઈપણ ચૂકવણી કરતાં પહેલા વેબસાઇટનું URL બે વાર ચેક કરવું અને ક્યારેય પણ પોતાનો OTP કાર્ડ ડિટેલ્સ કે લોગિન પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા. જાે કોઈ વેબસાઇટ શંકાસ્પદ જણાય તો તરત જ તેને બંધ કરી દેવી હિતાવહ છે.



