
નીતિન નબીને રાઘવ ચઢ્ઢાને લાડુ ખવડાવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી વિધિવત ભાજપમાં સામેલ રાઘવ ચઢ્ઢા સહિત ૭ સાંસદોએ રાજીનામાં આપ્યો, જેમાં સંદીપ પાઠક, સ્વાતિ માલિવાલ, હરભજન સિંહ, અશોક મિત્તલ અને વિક્રમજીત સાહની સામેલ આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ આજે(૨૪ એપ્રિલ) રાજીનામાં આપ્યા હતા. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાં જાેડાવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે શુક્રવાર સાંજે નવી દિલ્હી ખાતે ભાજપ હેડક્વાર્ટર તમામ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભાજપ અધ્યક્ષ નીતિન નબીન દ્વારા સ્વાગત કરાયું હતું.
ભાજપ હેડક્વાર્ટરમાં નીતિન નબીને રાઘવ ચઢ્ઢાને લાડુ ખવડાવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન ચઢ્ઢાએ ભાજપ અધ્યક્ષને ગુલદસ્તો ભેટ કર્યો. આ સત્તાવાર મિલનની સાથે ચઢ્ઢા સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઈ ગયા. પાર્ટી કાર્યકર્તાઓમાં આ રાજકીય ઘટનાક્રમમાં જશ્નનો માહોલ છે. આમ આદમી પાર્ટીની સ્થિતિ હવે રાજ્યસભામાં ખુબ નબળી થઈ ગઈ છે.
રાઘવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટીમાંથી ૭ સાંસદોએ રાજીનામાં આપ્યા છે. જેમાં સંદીપ પાઠક, સ્વાતિ માલિવાલ, હરભજન સિંહ, અશોક મિત્તલ અને વિક્રમજીત સાહની સામેલ છે.
રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો ખુલાસો કરતા પક્ષ સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારા જીવનના મહત્ત્વના ૧૫ વર્ષ આપ્યા છે, તે પાર્ટી હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પણ પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મને સતત એવું લાગી રહ્યું હતું કે હું એક ખોટી પાર્ટીમાં ફસાઈ ગયેલો સાચો માણસ છું. એટલા માટે જ આજે હું મારી જાતને આપથી અલગ કરી રહ્યો છું અને હવે જનતાની સેવામાં જાેડાઈ રહ્યો છું, તેમજ મારી સાથે આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ (૨/૩) સાંસદો પણ ભાજપમાં જાેડાઈ રહ્યા છે.
બીજી તરફ દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને તેના ટોચના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ઓપરેશન લોટસ દ્વારા પંજાબ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઓપરેશન લોટસ ખરેખર હલકી રાજનીતિનું એક ઉદાહરણ છે. તે માત્ર સત્તા કબજે કરવાનો પ્રયાસ નથી, પરંતુ પંજાબમાં ચાલી રહેલા જનહિતના કાર્યોને રોકવાનું એક ષડયંત્ર છે.
આરોપ લગાવ્યો કે, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાત સાંસદોને તોડીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે. પંજાબની જનતાએ આ નામો યાદ રાખવા જાેઈએ, કારણ કે આ લોકોએ ગદ્દારી કરી છે. આ સંદર્ભમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ જેવા નામોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જનતાએ આ તમામને સામાન્ય સ્તરેથી ઉઠાવીને સંસદ સુધી પહોંચાડ્યા, પરંતુ હવે તેઓએ જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ AAP માંથી ભાજપમાં ભળેલા સાંસદોની ઝાટકણી કાઢતા કહ્યું કે, ભાજપે પંજાબ સાથે ગદ્દારી કરી, ભાજપનું પંજાબમાં કોઈ અસ્તિત્વ જ નથી, ભાજપનું પોતાનું કઈ જ નથી માટે આ પ્રકારના તુક્કા લગાવી રહી છે. ભાજપ પંજાબ જીતી શકતી નથી, આ પ્રકારે વોશિંગ મશીનનો ઉપયોગ કરીને શરદ પવારની પાર્ટી અને શિવસેના ઉદ્ધવ ઠાકરેની તેમજ કોંગ્રેસની પાર્ટીને તોડી નાખવામાં આવી હતી.
પંજાબમાં ભાજપનો કોઈ જ જનાધાર નથી. ભાજપ તેની સાથે વિલય કરનારા લોકોને પણ ગળી જાય છે, આ સાત લોકો પાર્ટીનો ભાગ નથી, ગદ્દારોના જવાથી કોઈ ફર્ક પડતો નથી, જનતાના પ્રેમની કોઈ કિંમત હોતી નથી, પંજાબની જનતાનો પ્રેમ કોઈ પણ કિંમતે ખરીદી શકાશે નહીં.



