
આજે આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ૫ વર્ષમાં સલામતીના અભાવે રાજ્યમાં ૫૯૬ બાંધકામ શ્રમિકોનાં મૃત્યુ થયાં.બાંધકામ ઉદ્યોગ સૌથી જાેખમી – બાંધકામ સ્થળોએ સલામતીના પૂરતા પગલાંનો અભાવ: વિપુલ પંડ્યા.આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ ૨૮ એપ્રિલે ઉજવાય છે તેમાં કામના સ્થળે સુરક્ષા અને સ્વાસ્થ્યની પણ ચિંતા થાય છે પરંતુ કમનસીબે ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગ, ફેકટરીઓ, ફટાકડાના ગોડાઉનથી લઇને જાેખમી કામગીરી કરતા શ્રમિકો માટે સલામતીના ધોરણો કેટલા સચવાય છે તેની સરકારી વિભાગોની ઇન્સ્પેક્શન ઓથોરિટી દ્વારા સમયાંતરે પૂરતી ચકાસણી કરવામાં આવતી નથી. વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ સુધી ગુજરાતમાં કુલ ૫૯૬ બાંધકામ શ્રમિકોના મૃત્યુ થયા છે. વિશ્વભરના મજૂર સંગઠનો દ્વારા અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ) દ્વારા ૨૮ એપ્રિલે શ્રમિકોની સલામતી અને સ્વાસ્થ્ય માટે સંકલ્પ લેવામાં આવે છે.
જાે કે ગુજરાતમાં અવારનવાર ફેકટરી-કારખાના અને ગોડાઉનમાં થતા ધડાકા, આગ તેમજ મોટી સંખ્યામાં બાંધકામ સ્થળે શ્રમિકોના થતા અકસ્માતે મૃત્યુ દર્શાવે છે કે હજુ સુધી તેમની સલામતી માટેની બેદરકારી યથાવત છે. એટલું જ નહીં શ્રમિકોના મૃત્યુ પછી વળતર આપવામાં પણ એકમના માલિકો મોટાભાગના કિસ્સામાં તસ્દી લેતા નથી અને સરકારી તંત્ર પૂરતું વળતર અપાવી શકતું નથી. બાંધકામ મઝદૂર સંગઠનના મહામંત્રી વિપુલ પંડ્યાએ જણાવ્યું છે કે આરટીઆઇ થકી માહિતી મુજબ સૌથી જાેખમી એવા બાંધકામ ઉદ્યોગમાં છેલ્લા ૧૮ વર્ષમાં ગુજરાતમાં કુલ ૧૭૪૬ બાંધકામ શ્રમિકોના મૃત્યુ થયા છે અને ૫૨૭ને ગંભીર ઇજા થઇ છે. વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ સુધીના સમયગાળામાં ૫૯૬ શ્રમિકોના મૃત્યુ થયા છે. વર્ષ ૨૦૨૫માં જ ૧૩૦ જેટલા મજૂરોના મૃત્યુ અને ૧૭ને ગંભીર ઇજાના બનાવ નોંધાયા હતા. જેમાંથી ૬૦ ટકા મૃતકો ૧૮થી ૩૫ વર્ષના હતા. અમદાવાદમાં ૨૪, ગાંધીનગરમાં ૨૪, સુરતમાં ૨૩, વડોદરામાં ૧૩ અને રાજકોટમાં ૧૧ શ્રમિકોના મૃત્યુ નોંધાયા છે. જેનું મુખ્ય કારણ ઉપરથી પડવાના બનાવો છે જે કુલ મૃત્યુના ૬૦ ટકા છે. તે ઉપરાંત કરંટ લાગવો, ભેખડ અને દિવાલ ધસી પડવાથી પણ મૃત્યુ થાય છે. ૮૮ ટકા બનાવ ખાનગી બાંધકામ સ્થળોએ અને ૧૨ ટકા જાહેર બાંધકામમાં થાય છે. મોટાભાગના અકસ્માતો અટકાવી શકાય તેમ હોવા છતાં સલામતીના પગલાં લેવાતા નથી.



