
રાજ્યમાં નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે.ધોરણ-૧૦માં અત્યાર સુધીનું સૌથી વધુ ૮૩.૮૬% પરિણામ.ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ પરિણામમાં અમદાવાદ શહેર કરતા અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર આગળ નીકળ્યો.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ૬ મે ૨૦૨૬ના રોજ સવારે ૮ વાગ્યે ધોરણ ૧૦નું ૮૩.૮૬ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ પરીક્ષામાં કૂલ ૭૬૯૯૯૩ નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૭૫૬૩૯૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. અને ૬૩૪૩૨૭ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ ૮૩.૮૬ ટકા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રિપીટર પરીક્ષાર્થી તરીકે ૭૦૯૩૪ પરીક્ષાર્થઓ નોંધાયા હતા. તે પૈકી ૬૭૪૦૪ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૨૨૫૯૮ પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ ૩૩.૫૩ ટકા આવ્યું છે. આ ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા કૂલ ૨૫૩૧૩ પરીક્ષાર્થીઓ પૈકી ૨૩૩૫૩ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૬૫૯૦ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બન્યા છે. તેમનું પરિણામ ૨૮.૨૨ ટકા આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ ૧૦ના પરિણામમાં સૌથી વધારે પરિણાણ ધરાવતો જિલ્લો નર્મદા બન્યો છે જિલ્લાનું પરિણામ ૯૦.૮૫ ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ પંચમહાલ જિલ્લાનું આવ્યું છે. ૭૬.૪૨ ટકા પંચમહાલ જિલ્લો તળિયે બેઠો છે. ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ પરિણામમાં અમદાવાદ શહેર કરતા અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર આગળ નીકળ્યો છે. અમદાવાદ શહેરનું ૭૯.૯૯ ટકા પરિણામ છે તો અમદાવાદ ગ્રામ્યનું ૮૨.૫૨ ટકા પરિણામ સાથે શહેરને પાછળ પાડી દીધું છે.ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ ૧૦ના પરિણામમાં છોકરીઓએ બાજી મારી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં જાેઈએ તો નિયમિત પરીક્ષામાં પાસ થયેલા છોકરાઓનું પરિણામ ૮૦.૧૨ ટકા છે જ્યારે નિયમિત પરીક્ષામાં પાસ થયેલી છોકરીઓનું પરિણામ ૮૮.૨૮ ટકા આવ્યું છે. આમ છોકરીઓએ ધોરણ ૧૦ના પરિણામમાં છોકરાઓને પાછળ છોડી દીધા છે.



