
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમ ખાતે ક્રુઝ બોટ પલટી જવાથી બનેલી દુર્ઘટનાએ ફરી એકવાર વડોદરાની હરણી બોટ કાંડની ઘટનાને યાદ કરી જાહેર સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ અકસ્માતે બોટ સવારી દ્વારા આનંદ અને સાહસ કરવા માંગતા ઘણા લોકોના ઉત્સાહને શોકમાં ફેરવી દીધો. અહીં જોવાની ખૂબી એ હતી કે આ દુર્ઘટના પછી પણ, વહીવટી તંત્ર પાસે કુલ કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ માહિતીનો અભાવ હતો. જ્યારે અધિકારીઓએ ફક્ત વેચાણ કરાયેલી ટિકિટોની સંખ્યા ના આધારે આંકડા જાહેર કર્યા?? જ્યારે વાસ્તવિકતા એ હતી કે ઘણા ટિકિટ ધારકો તેમના બાળકો સાથે હતા.
જ્યારે સવાલ અહીં એ છે કે શું બોટ સંચાલકો માટે ટિકિટ ધારકો સાથે બાળકોની સંખ્યા નોંધવી ફરજિયાત ન હોવી જોઈએ? અત્રે ઉલ્લેખનીય છે કે બરગી ડેમ ખાતે એક ક્રુઝ બોટ ભારે પવન અને તોફાનમાં ફસાઈ ગયા બાદ પલટી ખાઈ ગઈ હતી. અને અકસ્માત સ્થળેથી નવ પીડિતોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ઘણા લોકો ગુમ થયા હતા. આ દુર્ઘટના પછી સ્વાભાવિક છે કે જો બોટ ઓપરેટરોને તેમની તાલીમ દરમિયાન ફરજીયાત રીતે શીખવવામાં આવતા સલામતી પ્રોટોકોલ ને પછીથી અવગણવામાં આવે તો તે બેદરકારીને જ દર્શાવે છે. વધુમાં જળ પર્યટનના આ ક્ષેત્રમાં હવામાન આગાહી પ્રણાલી નો અભાવ પણ ગંભીર ચિંતાઓ ઊભી કરે છે.
અહીં યાદ કરીએ આપણા ગુજરાતમાં વડોદરા તેમજ અન્યત્ર આવી દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે ત્યારે મધ્ય પ્રદેશની આ ઘટનાને ધ્યાનમાં રાખીને બધી રાજ્ય સરકારો આ દુર્ઘટનામાંથી સબક શીખે અને તમામ સલામતી પ્રોટોકોલ અને સંચાલન પ્રણાલીઓમાં વ્યાપક સુધારાઓ લાગુ કરે એ ખૂબ જ જરૂરી છે.



