
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત:
સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલ ૬૦ વર્ષો જૂની 'નાસિરનગર' ઝૂંપડપટ્ટીને કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના, કાયદેસરની નોટિસ વગર એકાએક પોલીસનો દૂર ઉપયોગ કરી તોડી પાડી ૧૨૫ પરિવારોને બેઘર કરી દેવાની ઘટનાએ સુરત શહેરની પ્રતિષ્ઠાને દેશ-વિદેશમાં ગંભીર આઘાત પહોંચાડ્યો છે. આ અમાનવીય અને ગેરબંધારણીય કૃત્ય બદલ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સુજલ પ્રજાપતિ કાર્યપાલક ઇજનેર, જયાંગ જીવન રામજીવાલા કાર્યપાલક ઇજનેર, અર્પણ પરમાર ડે.ઈજનેર ને તાત્કાલિક ફરજ મુકત કરવા સુરત મ.ન.પા ના કર્મચારી મહામંડળએ માંગણી કરી છે. આ અધિકારીઓએ અગાઉ સુરત મ.ન.પામાં કાર્યરત યુનિયનોની ઓફિસોને ગત નવેમ્બર ૨૦૨૫માં અડધી રાત્રે તાળાં તોડી યુનિયનોની ઓફિસોના સામાન બહાર ફેંકી દઈ ગંભીર ફરજ ચૂક કરી છે. અને તેઓએ આ કૃત્ય સુરત મ.ન.પા ના ડેપ્યુટી કમિશનર (ડેપ્યુટેશન) શ્રીમતી નિધિ સિવાચની સત્તા અને સપોર્ટથી કરેલ છે. અને આમ કરી આ અધિકારીઓએ ગંભીર ફરજચૂક કરેલ છે અને તેના કારણે આજે અનેક લોકો ખુલ્લી છત હેઠળ છે. અને તેઓ અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે. અધિકારીઓની આ ગેરશિસ્ત કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય તેમ નથી. કદાચ નવેમ્બર માસમાં આ બાબતે મ્યુ.કમિશ્નર ધ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત તો, આજે આ ઘટના બની ના હોત.
સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ કિરીટસિંહ વાઘેલા અને મહામંત્રી મોહમદ ઇકબાલ શેખ અને મંત્રી હરીશ રાઠોડ, જયંતિભાઈ વાઘેલા, શશિકાંતભાઈ સોલંકી, વિજયભાઈ શેણમારે,દેવેન્દ્ર પ્રજાપતિ વિગેરેએ સુરત મ.ન.પામાં કાયદાનું શાસન નથી અને મ.ન.પા ના અધિકારીઓ મનફાવે તેમ વર્તી રહ્યા છે જેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે. આ અધિકારીઓની ભૂલ માફીને પાત્ર નથી. તેઓએ સુરત મ.ન.પા ની આબરૂના ધજાગરા કર્યા છે અને દેશ,વિદેશમાં મ.ન.પા ની આબરૂ ધૂળધાણી કરી છે. જેથી તેઓને સુરત મ.ન.પા ની ફરજમાંથી તાત્કાલિક ધોરણે ફરજમાંથી ફરજમુકત કરવા માટેની માંગણી કરી છે.



