
રોડ બનાવો અથવા ટોલ હટાવો હાઈવેનું કામ શરૂ કરાવવા અજાણ્યા શખસે ટોલ પ્લાઝા પર કર્યું ફાયરિંગ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ફૂટેજ મુજબ, બાઈક પર સવાર બે શખસો ટોલ બૂથ પાસે પહોંચ્યા હતા સામાન્ય રીતે ખરાબ રસ્તાઓને લઈને લોકો દેખાવ, સૂત્રોચ્ચાર કે ધરણાં કરતા હોય છે, પરંતુ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રસ્તાના નિર્માણની માંગણી માટે હિંસક માર્ગ અપનાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગ્વાલિયર-ભિંડ હાઈવે પર આવેલા બરેઠા ટોલ પ્લાઝા પર બે અજાણ્યા શખસોએ ફાયરિંગ કરી દહેશત ફેલાવી હતી અને રસ્તો બનાવવાની માંગ સાથેનો એક ધમકીભર્યો પત્ર ફેંકી નાસી છૂટ્યા હતા.
બરેઠા ટોલ પ્લાઝા પર બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજ મુજબ, બાઈક પર સવાર બે શખસો ટોલ બૂથ પાસે પહોંચ્યા હતા. કોઈ કઈ સમજે તે પહેલા તેમણે હવામાં ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ એક પત્ર બૂથ તરફ ફેંકીને ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી પલાયન થઈ ગયા હતા.
ટોલ પ્લાઝા પર ફેંકવામાં આવેલા પત્રમાં સરકાર અને વહીવટી તંત્રને કડક ચેતવણી આપવામાં આવી છે. પત્રમાં લખ્યું હતું કે, ‘હાઈવે બનાવો અથવા ટોલ હટાવો. હવે આકાશ ભદોરિયાની જેમ કોઈ મરશે નહીં. ભલે નેતાઓને તેમના ફ્લેટ વેચવા પડે, પણ ગ્વાલિયર-ભિંડ હાઈવે પર કામ તાત્કાલિક શરૂ થવું જાેઈએ. સરકાર આંધળી થઈ ગઈ છે. જાે કામ શરૂ નહીં થાય તો હવે પછીના પગલાં વધુ કડક હશે.‘
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે. બદમાશોની શોધખોળ માટે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પત્રમાં લખાયેલા લખાણ અને બાઈક નંબરના આધારે શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરકડ કરવામાં આવશે.
ગ્વાલિયર અને ભિંડ વચ્ચેનો અંદાજે ૮૦ કિમી લાંબો હાઈવે હાલમાં ‘મોતનો માર્ગ‘ બની ગયો છે. રસ્તા પર મસમોટા ખાડા અને વધતા ટ્રાફિકને કારણે દરરોજ જીવલેણ અકસ્માતો સર્જાય છે. સ્થાનિક લોકો અને સંત સમાજ ઘણાં વર્ષોથી આ રોડને ‘સિક્સ લેન‘ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ મળતા હોવાથી લોકોમાં રોષ છે.




