
ધોલેરા SIR બનશે ગ્લોબલ હબ.ધોલેરા વચ્ચે ૨૨૦ની સ્પીડે દોડશે સેમી હાઈ સ્પીડ ટ્રેન.રાજ્યના ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ જમીન, દરિયાઈ અને હવાઈ માર્ગોને એકસાથે જાેડશે.ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘ધોલેરા SIR ને વેગ આપવા માટે તાજેતરમાં કેન્દ્રિય કેબિનેટ દ્વારા અમદાવાદ-સરખેજ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ રેલવે DRM વેદ પ્રકાશ, ચીફ સેક્રેટરી મનોજ દાસ અને ધોલેરા SIR ના MD કુલદીપ આર્યાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ યુનિક પ્રોજેક્ટની વિગતો આપી હતી.
DRM વેદ પ્રકાશના જણાવ્યા અનુસાર, આ રેલવે લાઈન કવચ ૫.૦ ટેકનોલોજી પર આધારિત હશે. ટ્રેન ૨૨૦ કિમી/કલાકની ઝડપે દોડી શકશે તે પ્રકારનું આધુનિક ટ્રેક નેટવર્ક તૈયાર કરવામાં આવશે.
ખાસ વાત એ છે કે, આ ટ્રેક પર પેસેન્જર ટ્રેનની સાથે ગુડ્સ ટ્રેન પણ ચાલશે, જેના એક ડબ્બામાં ૧૦૦ ટનથી વધુ સામાન લઈ જઈ શકાશે. આ પ્રકારનું મલ્ટી-યુટિલિટી નેટવર્ક ભારતમાં પ્રથમવાર બની રહ્યું છે.
રાજ્યના ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ જમીન, દરિયાઈ અને હવાઈ માર્ગોને એકસાથે જાેડશે. ધોલેરામાં બની રહેલા સેમિકોન પ્રોડક્ટ્સને પોર્ટ સુધી પહોંચાડવા માટે આ નેટવર્ક આશીર્વાદરૂપ સાબિત થશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અંદાજે ૨ મિલિયન (૨૦ લાખ) લોકો અહીં વસવાટ કરશે, જેનાથી મોટાપાયે રોજગારીનું સર્જન થશે.
આ પ્રોજેક્ટ આગામી ૪ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે અને તેના માટે ૮૦% જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે. પ્રોજેક્ટનો ૫૫% ભાગ જમીનથી ઉપર (એલિવેટેડ) હશે. ભાવનગરને પણ ભવિષ્યમાં આ નેટવર્ક સાથે જાેડવા સર્વે ચાલુ છે. ધોલેરામાં ૧૫૦૦ ફ્લેટનું કામ ચાલુ છે અને સરકાર દ્વારા ૧૨ કરોડનું ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે.



