
બુટલેગરો બેફામ બન્યા.ભાયાવદર પંથકમાં પાણીના પાઉચની જેમ દારુનું વેચાણ.અહીં દારૂ પાણીના પાઉચની જેમ સરળતાથી મળી રહ્યો છે નાના બાળકોથી લઈ યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે, છતાં તંત્ર મૌન છે.ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ રાજકોટના ભાયાવદરમાંથી જે ઘટના સામે આવી છે, તે માત્ર દારૂબંધીના ધજાગરા જ નહીં, પરંતુ ખાખીની ગંભીર બેદરકારી પણ છતી થઈ છે. અહીં જાહેરમાં પાણીના પાઉચની જેમ દારૂ વેચાઈ રહ્યો છે અને જ્યારે એક જાગૃત નાગરિક ઇલિયાસ ઇકબાલભાઈ નોઈડા અવાજ ઉઠાવ્યો, ત્યારે પોલીસ તંત્રએ બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે ફરિયાદીને જ જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકી આપી હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
ભાયાવદર પંથકમાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ એટલી હદે બેફામ બન્યું છે કે, જાણે અહીં કાયદાનો કોઈ ડર જ ન હોય. ઇલિયાસ ઇકબાલભાઈ નોઈડાએ હિંમત દાખવીને એક વીડિયો ઉતાર્યો છે, જેમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે, દારૂનું વેચાણ કેટલું ખુલ્લેઆમ થઈ રહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે, અહીં દારૂ પાણીના પાઉચની જેમ સરળતાથી મળી રહ્યો છે. નાના બાળકોથી લઈ યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે, છતાં તંત્ર મૌન છે.આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત પોલીસની ભૂમિકા પર ઉઠેલા સવાલો છે. જ્યારે ઇલિયાસ આ દારૂના વેપલાનો પુરાવો અને અરજી લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યારે તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું, તેવો જાગૃત નાગરિકે આરોપ લગાવ્યો છે. ઇલિયાસે કહ્યું કે, ‘પોલીસે તેની અરજી લેવાને બદલે તેને ધમકાવ્યો હતો અને મા-બહેનની ગાળો આપી હતી.બુટલેગરો પર કાર્યવાહી કરવાને બદલે પોલીસે કહ્યું કે, આ તો ચાલતું રહે, એમાં કંઈ જ ન હોય.‘ આ ઇલિયાસે કહ્યું કે, મને ધમકીઓ મળી રહી છે, જાે મને કંઈ થશે તો જવાબદારી પોલીસવાળાઓની રહેશે. ગામમાં રહેવા પણ દેતા નથી અને જાે કાલે બધુ બંધ કરાવવામાં નહીં આવે તો મારે આત્મવિલોપન કરવું પડશે.
પોલીસ તંત્રના આવા વલણથી હતાશ થયેલા અને સમાજની ચિંતા કરતા આ નાગરિકે હવે આખરી માર્ગની આશંકા વ્યક્ત કરી છે. તેમણે તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે, જાે તાત્કાલિક ધોરણે આ દારૂનો વેપલો બંધ કરવામાં નહીં આવે અને કસૂરવારો સામે કડક કાર્યવાહી નહીં થાય, તો તેઓ આત્મવિલોપન કરશે.આ ઘટના બાદ ભાયાવદર અને સમગ્ર રાજકોટ જિલ્લામાં રોષની લાગણી ફેલાઈ છે.હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે, ગૃહ વિભાગ આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસ કરવામાં આવે.




