
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણી સંસ્કૃતિમાં દાન, ધર્મ, વ્રત ઉપવાસને મહત્વ આપવામાં આવ્યું છે. એને લઈ આપણે મંદિર, મસ્જિદ કે દરગાહ અથવા અન્ય ધાર્મિક સ્થળોએ બેઠેલા ભિખારીને કંઈ ને કંઈ આપી પુણ્યનું ભાથું બાંધીએ છીએ. ત્યારે રાજસ્થાનના પ્રસિદ્ધ ખાટું શ્યામ મંદિરની બહાર બનેલી એક અજીબોગરીબ ઘટના અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. એક જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરે ફાટેલા કપડાં પહેરી, ભિક્ષુક બની હાથમાં વાડકો લઈ ત્રણ કલાક મંદિરની બહાર બેસીને ભીખ માંગી હતી. આ ૩ કલાકમા તેને મળેલી ભીખની રકમ જાણીને આંખો પહોળી થઈ જશે.
ત્રણ જ કલાકમાં ૪૦૦૦ રૂપિયાથી વધુ રકમ ઈન્ફલુએન્સરે ભીખમાં મેળવી હતી. આ રકમ તો મધ્યમ વર્ગના લોકોની એક દિવસની કમાણી કરતા ઘણી વધારે છે. જો કે ઈન્ફલુએન્સરે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરીને કહ્યું હતું કે ભક્તિના ધામમાં લોકો એટલા ઉદાર હાથે દાન આપે છે કે ભીખ માંગવી એ પણ એક મોટો વ્યવસાય બની ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ એક લખપતિ ભિખારીના સમાચારો ચમક્યા હતા. જેના ઘરમાંથી ૫૦૦, ૫૦૦ ની નોટોના બંડલો મળી આવ્યા હતા.આને કહેવાય વગર મૂડીનો ધંધો.



