
કાનૂની લડત તેજ કરવા તૈયારી ભોજશાળાને મંદિર જાહેર કરાયા બાદ હવે કુતુબ મિનાર પર વિવાદ હવે દિલ્હીના પ્રસિદ્ધ કુતુબ મિનાર પરિસરમાં પણ પૂજાના અધિકાર માટેની કાનૂની લડાઈ તેજ બની ગઈ છે મધ્ય પ્રદેશના ધારમાં સ્થિત ભોજશાળામાં પૂજા કરવાની મંજૂરી આપતા કાનૂની ર્નિણય બાદ, હિન્દુ સંગઠનોમાં ઉત્સાહનો માહોલ છે. હવે આ જ તર્જ પર દિલ્હીના ઐતિહાસિક કુતુબ મિનાર પરિસરમાં પણ પૂજા અને અર્ચના કરવાનો અધિકાર મેળવવા માટેની કાનૂની લડતને વેગ આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. યુનાઇટેડ હિન્દુ ફ્રન્ટ ના બેનર હેઠળ હિન્દુ સંગઠનોનું એક વિશેષ પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં દેશના જાણીતા વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈનની મુલાકાત લેશે, જેમણે ભોજશાળા અને જ્ઞાનવાપી જેવા હાઈ-પ્રોફાઈલ કેસોમાં હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઇતિહાસકારો અને હિન્દુ સંગઠનોના જણાવ્યા અનુસાર, કુતુબ મિનાર પરિસરમાં આવેલો પ્રખ્યાત લોહ સ્તંભ વાસ્તવમાં રાજા અનંગપાલ દ્વારા બનાવવામાં આવેલા વિષ્ણુ મંદિરનો એક ભાગ હતો, જેને વિષ્ણુ સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તંભની નજીક જ એક વિવાદાસ્પદ માળખું આવેલું છે જેને કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ નામ આપવામાં આવ્યું છે. પુરાતત્વ વિભાગના પૂર્વ નિર્દેશક ડૉ. ધર્મવીર શર્માના મતે, આ માળખું કુતુબુદ્દીન ઐબકે ૨૭ હિન્દુ અને જૈન મંદિરો તોડીને તેના મલબામાંથી બનાવ્યું હતું, જેની પુષ્ટિ મસ્જિદના મુખ્ય ગેટ પર લખાયેલા શિલાલેખ પરથી પણ થાય છે. આજે પણ આ દિવાલો પર સનાતન સંસ્કૃતિના પ્રતીકો અને દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ સ્પષ્ટ જાેઈ શકાય છે. અગાઉ વર્ષ ૨૦૨૦ માં વકીલ વિષ્ણુ શંકર જૈન દ્વારા દિલ્હીની સાકેત કોર્ટમાં કુતુબ મિનાર પરિસરમાં પૂજાની મંજૂરી માટે અરજી દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે ૨૦૨૩ માં ફગાવી દીધી હતી. જાે કે, તેમણે હિંમત હાર્યા વિના ફરીથી આ મામલે કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે, જેના પર કોર્ટે નોટિસ જારી કરી છે અને હાલ આ મામલો કોર્ટમાં લંબિત છે. યુનાઇટેડ હિન્દુ ફ્રન્ટના અધ્યક્ષ જયભગવાન ગોયલનું કહેવું છે કે, જાે દેશની ભોજશાળામાં હિન્દુઓને ન્યાય મળી શકતો હોય, તો દિલ્હીના આ પરિસરમાં સદીઓથી ઉપેક્ષિત મૂર્તિઓની પૂજા કરવાનો અધિકાર પણ મળવો જ જાેઈએ.



