
એવરેસ્ટ સર કર્યા બાદ કરુણાંતિકા.તિરંગો લહેરાવીને પરત ફરતા બે ભારતીયોના ડેથ ઝોનમાં મોત.કમનસીબે ડેથ ઝોન ગણાતા એરિયામાં અતિશય થાક અને ઓક્સિજનની કમીના કારણે તેઓ સુરક્ષિત નીચે ન ઉતરી શક્યા.માઉન્ટ એવરેસ્ટના શિખર પર સફળતાપૂર્વક પગ મૂક્યા બાદ, નીચે ઉતરતી વખતે ભારતના બે પર્વતારોહકોના કરુણ મોત નીપજ્યા છે. નેપાળના તંત્રએ શુક્રવારે આ દુર્ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
મૃતક પર્વતારોહકોની ઓળખ અરુણ કુમાર તિવારી અને સંદીપ આરે તરીકે થઈ છે. બંનેએ દુનિયાના સૌથી ઊંચા શિખર પર તિરંગો તો લહેરાવ્યો, પરંતુ કમનસીબે ડેથ ઝોન ગણાતા એરિયામાં અતિશય થાક અને ઓક્સિજનની કમીના કારણે તેઓ સુરક્ષિત નીચે ઉતરી શક્યા નહીં.
એક્સપિડિશન ઓપરેટર્સ એસોસિએશન ઓફ નેપાળના જનરલ સેક્રેટરી ઋષિ ભંડારીના જણાવ્યા અનુસાર, સંદીપ આરેએ બુધવારે એવરેસ્ટ સર કર્યું હતું, જ્યારે અરુણ કુમાર તિવારી ગુરુવારે સાંજે આશરે ૫.૩૦ વાગ્યે એવરેસ્ટની ટોચે પહોંચ્યા હતા. શિખર સર કર્યા બાદ બંને જ્યારે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે તેમણે જીવ ગુમાવ્યો. ગુરુવારે રિટર્ન જર્ની દરમિયાન સંદીપ આરે અત્યંત અશક્ત થઈ ગયા હતા. અનુભવી શેરપા ગાઇડ્સે રાતોરાત ઓપરેશન ચલાવીને તેમને એવરેસ્ટના પ્રખ્યાત બાલકની એરિયાથી નીચે સાઉથ કોલ સુધી લાવીને જીવ બચાવવાનો ભારે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે દમ તોડી દીધો હતો.
બીજી તરફ, અરુણ તિવારી પણ બે અનુભવી શેરપાઓ સાથે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે હિલેરી સ્ટેપ નજીક ભારે થાકનો ભોગ બન્યા હતા. ગાઇડ્સના વારંવારના રેસ્ક્યૂ ઓપરેશન છતાં તેમને સુરક્ષિત બેઝ કેમ્પ તરફ લાવી શકાયા નહોતા અને રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.
પર્વતારોહણની દુનિયામાં એવરેસ્ટ પર ૮ હજાર મીટરથી ઉપરના વિસ્તારને ડેથ ઝોન કહેવામાં આવે છે. આ જગ્યાએ હવામાં ઓક્સિજનનું પ્રમાણ એટલું ઓછું હોય છે કે જાે વધારાનો ઓક્સિજન સિલિન્ડર ન હોય, તો માણસની કોષિકાઓ પળેપળ મરવા લાગે છે અને મગજ કામ કરતું બંધ થઈ જાય છે.
આ વર્ષે નેપાળ સરકારે ટુરિઝમ કમાણીના તમામ રેકોર્ડ તોડતા ૪૯૩થી વધુ પર્વતારોહકોને એવરેસ્ટ ચઢવાની પરમિટ આપી છે. સીઝનની શરૂઆત મોડી થવાના કારણે બુધવારે એક જ દિવસમાં ૨૭૪ લોકો એવરેસ્ટ તરફ દોડ્યા હતા. નિષ્ણાતોના મતે, જ્યારે ડેથ ઝોન જેવા જાેખમી વિસ્તારમાં સેંકડો લોકો લાઈનમાં ઊભા રહે છે, ત્યારે ત્યાં ટ્રાફિક જામ થાય છે. આ કઠોર ઠંડીમાં કલાકો સુધી એક જ જગ્યાએ ઊભા રહેવાથી પર્વતારોહકોનો કૃત્રિમ ઓક્સિજન ખતમ થઈ જાય છે અને શરીર સાથ છોડી દે છે. ભારતના આ બંને પર્વતારોહકો પણ કદાચ આ જ ટ્રાફિક જામ અને અતિશય પ્રતિકૂળ સંજાેગોનો ભોગ બન્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.



