
SC માં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ રશિયાની લાલચમાં ૪૯ ભારતીયોના મોત, કુલ ૨૧૭ સેનામાં જાેડાયા હતા ! લાપતા લોકોની શોધખોળ અને માર્યા ગયેલા સૈનિકોના મૃતદેહોની ઓળખ માટે ભારત સરકારે વિશેષ પગલાં લીધા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન સેનામાં ભારતીયોની ભરતીને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરીને જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં કુલ ૨૧૭ ભારતીય નાગરિકો રશિયન સેનામાં સામેલ થઈ ચૂક્યા છે, જેમાંથી ૪૯ ભારતીયોએ જીવ ગુમાવ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જાેયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પાંચોલીની બેંચ સમક્ષ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ રિપોર્ટ તે ૨૬ ભારતીય નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે દાખલ કરાયેલી અરજી પરની સુનાવણી દરમિયાન રજૂ કરાયો હતો, જેમને કથિત રીતે રશિયામાં બંધક બનાવીને જબરદસ્તીથી યુદ્ધ લડવા મજબૂર કરાયા હતા.એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર, ઘણા ભારતીય નાગરિકો આકર્ષક સેલરી પેકેજ અને સુવિધાઓની લાલચમાં પોતાની મરજીથી રશિયન સેનામાં જાેડાયા હતા. આ નાગરિકોને આશરે ૫,૦૦૦ અમેરિકન ડોલર (લગભગ ૪ લાખ રૂપિયાથી વધુ)નું સાઈનિંગ બોનસ, ૨૫૦૦ અમેરિકન ડોલરનો માસિક પગાર, રશિયાની નાગરિકતા અને અન્ય સામાજિક લાભોની લાલચ આપવામાં આવી હતી. આ ઉપરાંત, યુદ્ધમાં મોત થવાની સ્થિતિમાં આશરે ૧,૬૮,૦૦૦ અમેરિકન ડોલર (લગભગ ૧.૪ કરોડ રૂપિયા)ના વળતર આપવાનું પણ વચન અપાયું હતું.૧૩૯ ભારતીયોને મુક્તિ મળી, ઘણા લાપતાભારત સરકારે કોર્ટને જણાવ્યું કે, રશિયા સાથે સતત કરવામાં આવેલા રાજદ્વારી પ્રયાસોના કારણે ૧૩૯ ભારતીય નાગરિકોને રશિયન સેનાના કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરાવી લેવાયા છે. જાે કે, હજુ પણ કેટલાક લોકો લાપતા છે. રશિયાએ ૬ ભારતીય નાગરિકો લાપતા હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે હજુ ૨૩ નાગરિકોની કોઈ માહિતી નથી. અરજીમાં જે ૨૬ વિશિષ્ટ નાગરિકોનો ઉલ્લેખ હતો, તેમાંથી ૧૪ના મોતની પુષ્ટિ થઈ ચૂક્યા છે, જ્યારે ૧૧ને લાપતા જાહેર કરાયા છે. જ્યારે એક ભારતીય નાગરિક છેડતીના આરોપમાં રશિયામાં ૮ વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસ આ લાપતા લોકોની શોધખોળ માટે રશિયન સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.લાપતા લોકોની શોધખોળ અને માર્યા ગયેલા સૈનિકોના મૃતદેહોની ઓળખ માટે ભારત સરકારે વિશેષ પગલાં લીધા છે. અત્યાર સુધીમાં ૨૧ અસરગ્રસ્ત પરિવારોના સભ્યોના ડીએનએ સેમ્પલ એકત્ર કરીને રશિયન સત્તાવાળાઓને સોંપવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ૮ કેસમાં પરિવારોની સંમતિથી મૃતદેહ ભારત લાવવામાં આવ્યા છે, જેનો સંપૂર્ણ ખર્ચ ભારતીય સમુદાય કલ્યાણ ભંડોળ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન અરજદારોના વકીલે પીડિત પરિવારોને મળનારા વળતરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી સુધી વિગતવાર રિપોર્ટની સમીક્ષા કરવાનો ર્નિણય લીધો છે.



