
વાહન ચાલકોને રાહત આપી શકે છે સરકાર વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર વાસ્તવમાં કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઈસન્સની વેલિડિટીનો સમયગાળો વધારવા પર હવે વિચાર કરી રહી છે હવે દેશભરના કરોડો ડ્રાઈવરો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઈસન્સની વેલિડિટીનો સમયગાળો વધારવા પર વિચાર કરી રહી છે. રિપોર્ટ અનુસાર, આવી સ્થિતિમાં જાે સરકારના આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે છે, તો ડ્રાઇવિંગ લાઇસન્સ હવે ૨૦ વર્ષની જગ્યાએ ૫૦ વર્ષની વય સુધી માન્ય રહી શકશે. સરકારના આ નવા પ્રસ્તાવનો હેતુ લોકોને વારંવાર લાઇસન્સ રિન્યુઅલની પ્રક્રિયામાંથી રાહત આપવાનો અને પરિવહન સેવાઓને વધુ સરળ અને ડિજિટલ બનાવવાનો છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર ડ્રાઇવિંગ લાઈસન્સની વેલિડિટી વર્તમાન ૨૦ વર્ષથી વધારીને ૫૦ વર્ષ કરવાની દરખાસ્ત પર વિચાર કરી રહી છે. જાે કે હજુ આખરી ર્નિણય લેવાયો નથી અને ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે. નોંધનીય છે કે હાલના નિયમો હેઠળ ડ્રાઈવિંગ લાઈસન્સ ૨૦ વર્ષ સુધી માન્ય રહે છે. આ પછી લાઇસન્સ ધારકોએ લાઈસન્સ રિન્યુ કરાવવું પડે છે અને ઘણા કિસ્સામાં મેડિકલ સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજાે જમા કરાવવા પડે છે.
જાે સરકારની આ નવી દરખાસ્ત લાગુ કરવામાં આવશે તો કરોડો લોકોને પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે RTO માં વારંવાર જવાની જરૂર નહીં પડે. સરકારનું માનવું છે કે આનાથી નાગરિકો માટે પ્રક્રિયા સરળ બનશે અને સમયની પણ બચત થશે.
સરકાર માત્ર લાઈસન્સના નિયમોમાં ફેરફાર કરવા પુરતી સીમિત રહેવા માંગતી નથી. મંત્રાલય વાહન માલિકી ટ્રાન્સફર અને પરમિટ રિન્યુઅલ જેવી સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન બનાવવાની દિશામાં પણ કામ કરી રહ્યું છે. આનાથી લોકોને કાગળની કામગીરી અને આરટીઓ ઓફિસોમાં લાંબી કતારોમાંથી રાહત મળી શકે છે. સૂચિત સિસ્ટમમાં લાઈસન્સ, પરમિટ અને અન્ય સેવાઓ સંબંધિત ફી ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવશે.
ડ્રાઇવિંગ લાઈસન્સની સાથે સરકાર રોડ સેફ્ટીને મજબૂત કરવા માટે નવી સિસ્ટમ પર પણ વિચાર કરી રહી છે. આ યોજના હેઠળ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ડ્રાઇવરોને “નેગેટિવ પોઈન્ટ્સ” આપી શકાય છે. જાે ડ્રાઇવર વિરુદ્ધ વારંવાર ઉલ્લંઘન નોંધવામાં આવે છે તો તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ પણ થઈ શકે છે.



