
એક્સબોક્સ ડિવિઝનમાંથી આશરે ૩,૨૦૦ કર્મચારીઓની છટણી કરાશે માઈક્રોસોફ્ટે AI માં રોકાણ વધારવા ૪,૮૦૦ કર્મચારીઓને છૂટા કર્યા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં જંગી રોકાણ કરવાની યોજનાને પગલે કંપનીએ આ ર્નિણય લીધો
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતાં પ્રભાવને લીધે આઈટી સેક્ટરમાં છટણીનો દોર ચાલી રહ્યો છે. વિશ્વની અગ્રણી આઈટી કંપની માઈક્રોસોફ્ટે તેના કુલ વૈશ્વિક કર્મચારીઓના ૨.૧ ટકા જેટલાં એટલે કે આશરે ૪,૮૦૦ કર્મચારીઓને છૂટાં કરવાનો ર્નિણય કર્યાે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં જંગી રોકાણ કરવાની યોજનાને પગલે કંપનીએ આ ર્નિણય લીધો છે. છટણી કરાનારા પૈકીના આશરે ૩,૨૦૦ જેટલાં કર્મચારીઓ કંપનીના એક્સબોક્સ ડિવિઝનના છે. એક્સબોક્સના સીઈઓ આશા શર્માના જણાવ્યાં અનુસાર, સોમવારે છટણીના પ્રથમ તબક્કામાં આશરે ૧,૬૦૦ કર્મચારીઓને પાણીચું અપાયું હતું. ગત ફેબ્રુઆરી મહિનામાં માઈક્રોસોફ્ટના ગેમિંગ ડિવિઝનનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ શર્માએ એક્સબોક્સની ઉણપો દૂર કરવા કેટલાંક મહત્વના પગલાં ભર્યાં છે. કર્મચારીઓને લખેલાં એક ઈમેલમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં આપણો કારોબાર નાદુરસ્ત અવસ્થામાં છે. આપણે આપણાં પ્રતિસ્પર્ધીઓની તુલનાએ ૩-૧૦ ટકા ઓછા નફામાં કામ કરી રહ્યાં છે. આપણે એક્સબોક્સને ફરીથી ધમધમતુ બનાવવા તેમાં મૂળથી પરિવર્તનો લાવવા પડશે. આ સિવાય કંપની, નિન્જા થીયરી, અનડેડ લેબ્સ, કમ્પલ્ઝન ગેમ્સ તથા ડબલ ફાઈન પ્રોડેક્શન સહિતના તેના ચાર સ્ટુડિયોનું સંચાલન અન્ય કંપનીને સોંપવાની તથા ળાન્સ સ્થિત અર્કાને સ્ટુડિયોઝને વેચવાની તજવીજ કરી રહી છે.




