
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, કૂતરા કરડવાથી થતા રોગ હડકવાથી મૃત્યુના 36% કેસ ફક્ત ભારતમાં જ નોંધાયા છે. ઉપરાંત કૂતરા કરડવાથી ઘાયલોની યોગ્ય સારવારનો અભાવ પણ એક મોટી સમસ્યા છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં શેરીઓમાં રખડતા કૂતરાઓને ખોરાક આપવા કે ના આપવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. કોર્ટે એ અરજદારને પૂછ્યું છે કે જેમણે આરોપ લગાવ્યો છે કે તેમને કૂતરાઓને ખોરાક આપવા બદલ હેરાન કરવામાં આવી રહ્યા છે કે તમે શેરીમાં અથવા જે તે વિસ્તારમાં દરેક કૂતરાને ઘરે કેમ ખોરાક નથી આપતા? નિ:શંકપણે આ પ્રશ્ન વ્યાજબી છે. કારણ કે રસ્તાની બાજુમાં કે શેરીઓમાં ખોરાક આપતી વખતે એક જ જગ્યાએ ઘણા કૂતરા ભેગા થાય છે. આ કૂતરાઓ પસાર થતાં લોકો ખાસ કરીને બાળકો અને ટુ-વ્હીલર ચલાવતા લોકો માટે મોટો ખતરો બની જાય છે.
જ્યારે પશુ જન્મ નિયંત્રણ નિયમો 2023 ના નિયમમાં પ્રાણીઓને ખોરાક આપવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ તેની જવાબદારી સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિસ્તારના રહેવાસીઓના સંગઠન પર મુકવામાં આવી છે. પરંતુ આજે લોકો ગમે ત્યાં પ્રાણીઓ, ખાસ કરીને કૂતરાઓને ખોરાક આપતા જોવા મળે છે અને તેમને રોકવા પર ઝઘડા અને હુમલાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.
સામાન્ય રીતે કૂતરાઓ માણસો પ્રત્યે હિંસક હોતા નથી. પરંતુ વધતાં જતા શહેરીકરણ સાથે તેમના સુરક્ષિત રહેઠાણ અને ખોરાકની કટોકટી જે રીતે ઊભી થઈ છે તેનાથી તેમનું( કૂતરાઓનું) વલણ હિંસક બની રહ્યું છે. પરિણામે હવે રસ્તાઓ પર રખડતાં કૂતરાઓને ખોરાક આપવા બાબતે પણ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. શ્વાનોને પસંદ કરનારા અને નાપસંદ કરનારાઓ વચ્ચેનો આ સંઘર્ષ કોર્ટ સુધી પહોંચ્યો છે.
આખરે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સર્વોચ્ચ અદાલતે કહેવું પડયુ કે શું દરેક શેરી અને રસ્તા કૂતરાઓને ખોરાક આપતા મોટા હૃદયના લોકો માટે છોડી દેવો જોઈએ? તેમાં કોઈ શંકા નથી કે સામાન્ય માણસની ચિંતા સર્વોપરી છે. રખડતાં કૂતરાઓનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ લોકોની સલામતી પણ મહત્વપૂર્ણ છે. તેથી પ્રાણી પ્રેમીઓએ સામાન્ય નાગરિકોની ચિંતા પ્રત્યે સંવેદનશીલતા દર્શાવવી જોઈએ. અહીં તો એવું લાગે છે કે જાણે એમના માટે માનવીઓ કરતા કૂતરા વધુ અગત્યના છે. તમને જો કૂતરાઓ પ્રત્યે એટલો જ પ્રેમ હોય તો તમે આ કૂતરાઓને તમારા ઘરમાં આશ્રય આપી અને ખવડાવો-પીવડાવો પરંતુ આમ નાગરિકો ખતરામાં મુકાય એ રીતે હિંસક પશુઓને પ્રાધાન્ય આપવું યોગ્ય નથી અને એ જ ચિંતા સુપ્રીમ કોર્ટે પણ નિર્દિષ્ટ કરી છે. પશુ પ્રેમીઓને અર્પણ.



