
ગાંધીનગર બોલાવી લાંચ લેવી ભારે પડી.પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર રાજદીપસિંહ ચાવડા લાંચ લેતા ઝડપાયો.ઘટનાની મળતી વિગતો અનુસાર, ફરિયાદી કોન્ટ્રાક્ટરે પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં વોટર એટીએમ મશીનો લગાવવાનું ટેન્ડર રાખ્યું હતું.સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરો સતત સપાટો બોલાવી રહી છે. સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર (એન્જિનિયર) લાંચના કેસમાં આબાદ ઝડપાઈ જતાં સમગ્ર પંથકના સરકારી બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વોટર એટીએમ મશીનના ટેન્ડરનું બાકી બિલ મંજૂર કરવાના અવેજ પેટે રૂ. ૪૫,૦૦૦ની લાંચ લેતા ઈજનેરને એસીબીની ટીમે રંગેહાથ દબોચી લીધો છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, ફરિયાદી કોન્ટ્રાક્ટરે પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં વોટર એટીએમ મશીનો લગાવવાનું ટેન્ડર રાખ્યું હતું. આ કામગીરી પૂર્ણ થયા બાદ તેના બાકી નીકળતા બિલની રકમ પાસ કરવા માટે ફરિયાદીએ પાલિકા કચેરીના ધક્કા ખાવા પડતા હતા. પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર રાજદીપસિંહ ચાવડાએ આ બિલ મંજૂર કરી આપવાના બદલામાં રૂ. ૪૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે તાત્કાલિક એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
શાતિર ઈજનેર રાજદીપસિંહ ચાવડા પોતે નગરપાલિકા કે સાબરકાંઠા જિલ્લામાં પકડાઈ ન જાય તે હેતુથી, તેણે ફરિયાદીને લાંચની રકમ આપવા માટે છેક ગાંધીનગર ખાતે બોલાવ્યો હતો. જાેકે, એસીબીના આયોજનબદ્ધ પ્લાન સામે ઈજનેરની ચાલાકી નિષ્ફળ સાબિત થઈ હતી. ગાંધીનગર એસીબીની ટીમે આ મામલે ગાંધીનગરમાં જ વોચ ગોઠવીને એક આયોજનબદ્ધ છટકું ગોઠવ્યું હતું. જેવો જ આરોપી રાજદીપસિંહ ચાવડા ફરિયાદી પાસેથી રૂ. ૪૫,૦૦૦ની રોકડા લાંચની રકમ સ્વીકારવા ગયો, કે તરત જ છુપાઈને ઉભેલી એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
એસીબી દ્વારા લાંચની રકમ રિકવર કરીને આરોપી આસિસ્ટન્ટ ઈજનેર રાજદીપસિંહ ચાવડાની અટકાયત કરવામાં આવી છે, અને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.
એસીબીની ટીમો દ્વારા આરોપી એન્જિનિયરના પ્રાંતિજ સ્થિત કાર્યાલયના દસ્તાવેજાે તેમજ તેની અપ્રમાણસર મિલકતો અંગેની તપાસ માટે તેના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.



