
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
સુરત શહેરમાંથી પસાર થતી કાકરા ખાડી ની બંને બાજુ બિલ્ડરો ધ્વારા ગેરકાયદેસર દબાણો કરાતા વર્ષોવરસ ખાડીપૂર આવે છે. જેના કારણે સુરત શહેરની જનતાને ભારે હાલાકી વેઠવી પડે છે. ભ્રષ્ટ અધિકારીઓના પાપે સુરત શહેરમાં પસાર થતી કાકરાપાર ખાડીની બંને બાજુએ બિલ્ડરોએ ગેરકાયદેસર દબાણો કરી ઊભી કરેલી શ્યામ સંગીની ટેક્ષટાઈલ કુંભારિયા અને સારથી ટેક્ષટાઇલ કુંભારિયાના તેમજ કાકરાપાર ખાડીના બંને કાંઠે લિંબાયત ઝોન અને સૂડાના અધિકારીઓના પાપે થયેલ ગેરકાયદેસર બાંધકામોના કારણે કાકરાપાર ખાડીમાં દર વર્ષે પૂર આવે છે.
ખાડીની બંને સાઇડે માર્કેટોના દબાણના કારણે પાણીના પ્રવાહમાં રૂકાવટ આવે છે. અને તેને કારણે લિંબાયત, પરવત પાટિયા, પુણા, કુંભારિયા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે છે. ભારે વરસાદ થતાં જ સદર ઉપરોક્ત ખાડીઓ પાણીના ભરાવાને કારણે છલકાઈ ઊઠે છે. તેમજ મીઠી ખાડી અને કોયલી ખાડીના પાણી પણ આ ખાડીના પાણી સાથે વધારો કરે છે. અગાઉ સુરત શહેરના સામાજિક કાર્યકર છગનલાલ ડી. મેવાડાએ આ બાબતે જનહિતમાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની(PIL) અરજી કરેલ હતી. તેથી ગુજરાત હાઈકોર્ટ ધ્વારા સુડાના અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવેલ હતી. પરંતુ સુડાના જે તે સમયના અધિકારીઓ હાઇકોર્ટ ની નોટિસ ને પણ ગોળી ને પી ગયેલા હતા.તેના કારણે દરવર્ષે આમ જનતા એ ખાડીપૂરનો સામનો કરવો પડે છે. અને તેઓને દરવર્ષે ઘર વખરી અને જાનમાલને પણ નુકશાની પહોચે છે અને સાથે સાથે એ વિસ્તારોમાં નાના-મોટો ધંધો-વેપાર લોકોને પણ ઘણું આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવે છે. આમ સુડાના આધિકારીઓના પાપે સમગ્ર સુરત શહેરને વેઠવાનો વારો આવે છે. સુરત શહેરમાંથી અનેક લોકો આ ખાડીઓ ક્રોસ કરી એક છેડાથી બીજા છેડે ધંધારોજ માટે જતાં હોય છે. પરંતુ થોડો વરસાદ પડતાં જ ખાડીઓમાં પૂર આવે છે.
જેના કારણે જાહેર જનતાએ તેમજ લિંબાયત, મીઠીખાડી વિસ્તારમાં દર વર્ષે પૂરના પાણી ફરી વળે છે. સત્તાવાળાઓએ આ પૂરના પાણીનો પ્રાવહ સહેલાઈથી પસાર થાય એ માટે ખાડીના બંને સાઈડના ગેરકાયદે ઊભા કરાયેલા દબાણો દૂર કરી જનતાને રાહત મળે એ માટે ની કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે પૂર આવે છે ત્યારે જ મ.ન.પાનું તંત્ર સફાળું જાગે છે. અને પાછું એક વર્ષ સુધી કુંભકર્ણની નિન્દ્રામાં સૂઈ જાય છે. સુરત શહેરના મ્યુ. કમિશ્નર, કલેક્ટર અને પોલીસ કમિશ્નરએ આ સમસ્યાના કાયમી નિકાલ માટે તાત્કાલિક
ધોરણે ખાડીના બંને સાઈડના દબાણો દૂર કરવા જોઈએ. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં પાવરધા છે તો પછી આ માર્કેટોએ કરેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા એમેને કોણ રોકે છે? તો પછી આ મ.ન.પાના ઉચ્ચ અધિકારીઓએ તેમના હાથ કાળા તો કર્યા નથી ને?



