
આઈપીએલની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સનો સામાન્ય દેખાવ બેંગલોરનો ‘વિરાટ’ વિજય: સળંગ બીજી વાર તાજ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ૫ વિકેટે આસાન વિજય, ફાઇનલમાં કોહલી ઝળક્યો, શાનદાર અડધી સદી સમગ્ર ટુર્નામેન્ટમાં નોંધપાત્ર દેખાવ કર્યા બાદ ગુજરાત ટાઇટન્સની ટીમ તેના હોમગ્રાઉન્ડ ખાતેની ફાઇનલમાં જ ફસકી પડતાં તથા વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ૨૦૨૬ની આઇપીએલની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટાઇટલ જીતી લીધું હતું. બેંગલોરે સળંગ બીજા વર્ષે અને તે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ ટાઇટલ જીત્યું હતું. આમ આઇપીએલમાં સળંગ બીજી વાર ટાઇટલ જાળવી રાખનારી તે ત્રીજી ટીમ બની હતી. તેણે સિઝનમાં ૭૭૬ રન કરીને ઓરેન્જ કેપ પણ જીતી હતી તો રબાડાએ ૨૯ વિકેટ સાથે પર્પલ કેપ હાંસલ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ૧૫૬ રન કરવાના હતા ત્યારે શરૂઆતમાં તો આ સ્કોર આસાન લાગતો હતો પરંતુ ઉપરાઉપરી વિકેટો પડી જતાં વિરાટ કોહલીએ અડિખમ બેટિંગ કરીને પોતાની ઉપયોગિતા પુરવાર કરતી ઇનિંગ્સ રમી હતી. તેણે ૪૨ બોલમાં ત્રણ સિક્સર અને નવ ચોગ્ગા સાથે અણનમ ૭૫ રન ફટકાર્યા હતા. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૫૫ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ૧૮ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૧ રન કરી લીધા હતા.૧૫૬ રનના આસાન કહી શકાય તેવા ટારગેટ સામે રમતાં વેંકટેશ ઐયર અને વિરાટ કોહલીએ ઝંઝાવાતી શરૂઆત કરી હતી. બંનેએ ૨૧ બોલમાં ૫૦ રનની ભાગીદારી નોંધાવી દીધી હતી તો ૪.૩ ઓવરમાં જ ૬૨ રન ઉમેરી દીધા હતા. આ તબક્કે મોહમ્મદ સિરાઝે ડાબેરી ઓપનર વેંકટેશ ઐયર ૧૬ બોલમાં બે સિક્સર સાથે ૩૨ રન ફટકારીને આઉટ થયો ત્યાર બાદ દેવદત્ત પડિક્કલ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. જાેકે કોહલીએ આક્રમક વલણ જારી રાખ્યું હતું. તેણે રબાડાની એક જ ઓવરમાં ૧૯ રન ફટકારી દીધા હતા. રજત પાટીદારે પણ તેના સિનિયર કોહલી સાથે મળીને ઝંઝાવાત જારી રાખ્યો હતો.અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો જે યથાર્થ પુરવાર થયો હતો કેમ કે ગુજરાત ટાઇટન્સ સમગ્ર ઇનિંગ્સ દરમિયાન ક્યારેય હાવી થઈ શક્યું ન હતું. તેનાથી વિપરીત આખી ઇનિંગ્સમાં બેંગલોરના બોલર્સનું જ વર્ચસ્વ રહ્યું હતું. વોશિંગ્ટન સુંદરે ૩૭ બોલમાં પાંચ ચોગ્ગા સાથે અણનમ ૫૦ રન ફટકારીને લડત આપી હતી પરંતુ તેની બેટિંગ ધીમી રહી હતી. ટાઇટન્સને આજે કોઈ એક બેટર આક્રમક રમત રમે તેની જરૂર હતી પરંતુ સુંદર સિવાય થયેલું નુકસાન ખૂબ મોટું હતું. ટાઈટન્સને સ્પર્ધાત્મક સ્કોર બનાવવા માટે કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શનની જાેડી પાસેથી સારી શરૂઆતની આશા હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. ગિલ જાેશ હેઝલવૂડ (૩૭ રનમાં બે વિકેટ)ના બોલ પર ખોટો શોટ રમ્યો હતો અને રજત પાટીદારના હાથે કેચ આઉટ થયો હતો. બીજી તરફ સુદર્શન પણ ભુવનેશ્વર કુમાર (૨૯ રનમાં બે વિકેટ)ના બોલ પર જિતેશ શર્માના હાથે કેચ આઉટ થયો હતો. ભુવનેશ્વર હવે પર્પલ કેપની રેસમાં કેગિસો રબાડા (૨૮ વિકેટ) ની બરાબરી પર છે.આ સિઝનમાં ૭૦૦+ ફટકારનારા બંને ઓપનર્સ આઉટ થયા બાદ ગુજરાતની બેટિંગ લાઇનઅપ ખોરવાઈ ગઈ હતી અને પાવરપ્લેમાં સ્કોર માત્ર ૪૫ રન હતો. ટીમ માટે વોશિંગ્ટન સુંદરે એક છેડો સાચવી રાખીને અણનમ અડધી સદી ફટકારી તેને બાદ કરતાં બીજા છેડેથી કોઈ સાથી ખેલાડીનો પૂરતો ટેકો મળ્યો ન હતો.



