
ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ ફ્લેક્સ-ફ્યુઅલ વ્હિકલ્સ વાપરનારને લિટરે ૨૦ રૂપિયાનો ફાયદો થશે ફ્લેક્સ-ફ્યુલ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ૫૦૦ અને ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં ૫,૦૦૦ પેટ્રોલ પંપ પર મળશે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભારતે ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળું E85 ઇંધણ લોન્ચ કર્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર તેની શરૂઆત કરી હતી. E85 પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં લગભગ રૂ. ૨૦ પ્રતિ લિટર સસ્તું રહેશે. E85 પેટ્રોલને શરૂઆતમાં દેશભરના ૪૮ પબ્લિક સેક્ટરના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ફ્યુલનો ઉપયોગ માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ધરાવતા વાહનોમાં જ થઈ શકે છે. સરકાર ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ૫૦૦ અને ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં આશરે ૫૦૦૦ પેટ્રોલ પંપ સુધી તેની ઉપલબ્ધતા વધારવાની યોજના ધરાવે છે. ઈ૮૫માં ૮૦થી ૮૫ ટકા ઇથેનોલ અને ૧૪ થી ૧૯ ટકા પેટ્રોલ હોય છે. આ પ્રકારનું ફ્યુલ ઈ૨૦ થી ઈ૧૦૦ સુધીના ઇથેનોલ મિશ્રણ પર ચાલવા સક્ષમ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે જાણીતી ઓટો કંપનીએ તેની ફ્લેક્સ ફ્યુલ કાર લોન્ચ કરી હતી. જ્યારે, અન્ય કંપનીએ તેનું ફ્લેક્સ-ફ્યુલ બાઈક લોન્ચ કર્યું હતું. ૨૦૧૪માં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનો દર માત્ર ૧.૫૩ ટકા હતો, જે હવે વધીને ૨૦ ટકા થયો છે. આ લક્ષ્ય નક્કી કરાયેલા સમય કરતાં પાંચ વર્ષ પહેલાં હાંસલ કરવામાં આવ્યું છે. સરકારના જણાવ્યા મુજબ આ અભિયાનથી રૂ. ૧.૮૪ લાખ કરોડથી વધુની વિદેશી મુદ્રાની બચત થઈ છે. મંત્રાલયના અંદાજ મુજબ, E85 પર ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સ પરંપરાગત પેટ્રોલ વાહનોની સરખામણીએ લાઈફટાઈમ દરમિયાન ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં આશરે ૬૧ ટકા ઘટાડો કરી શકે છે.



