
બીજા દિવસે પણ ૯૪ શાળા બંધ રાખવામાં આવી જાપાનમાં ફરી માનવભક્ષી કાળું રીંછ જાેવા મળ્યુ ટોક્યોથી લગભગ ૧૦૦ કિલોમીટર ઉત્તરમાં આવેલા ઉત્સુનોમિયા શહેરમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે જાપાનના ઉત્સુનોમિયા શહેરમાં એક વિશાળકાય કાળા રીંછના કારણે ભારે હોબાળો મચી ગયો છે. સુરક્ષાના ભાગરૂપે પ્રાઈમરી અને મિડલ સ્કૂલો બંધ રાખવામાં આવી છે.
દુનિયાના સૌથી વિકસિત અને હાઈટેક દેશોમાં ગણાતા જાપાનના એક શહેરમાં છેલ્લા બે દિવસથી જંગલી રીંછના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જાપાનના ઉત્સુનોમિયા શહેરમાં એક વિશાળકાય આદમખોર કાળા રીંછના આતંકને કારણે સ્થાનિક પ્રશાસને સતત બીજા દિવસે પણ શહેરની તમામ ૯૪ સરકારી પ્રાઈમરી અને મિડલ સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મંગળવાર, ૯ જૂન ૨૦૨૬ના રોજ પણ આ ભયાનક રીંછની શોધખોળ ચાલુ રહી હતી.
ટોક્યોથી લગભગ ૧૦૦ કિલોમીટર ઉત્તરમાં આવેલા ઉત્સુનોમિયા શહેરમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે. આ પુખ્ત વયના રીંછનું વજન આશરે ૧૦૦ કિલોગ્રામ જેટલું છે અને તેને છેલ્લા કેટલાક દિવસોમાં અલગ-અલગ વિસ્તારોમાં ૧૨થી વધુ વખત જાેવામાં આવ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે એક યુનિવર્સિટી કેમ્પસથી માત્ર ૭૦૦ મીટર દૂર આ રીંછ છેલ્લીવાર દેખાયું હતું, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે.શહેરના સત્તાવાર અધિકારીએ જણાવ્યું કે નગરપાલિકા, ફાયર બ્રિગેડ, પ્રાંતીય સ્ટાફ અને સ્થાનિક શિકારી સંઘના સભ્યો ભેગા મળીને રીંછને શોધી રહ્યા છે. રીંછ પકડાયા બાદ સ્થિતિને જાેઈને ર્નિણય લેવાશે કે તેને બેભાન કરીને જંગલમાં છોડવું, જાળમાં ફસાવવું કે પછી ગોળી મારી દેવી.જાપાનમાં વર્ષ ૨૦૧૨ પછી સરકારી પ્રયાસોને કારણે શિકારમાં ઘટાડો થતાં એશિયાઈ કાળા રીંછોની વસ્તી લગભગ ત્રણ ગણી વધી ગઈ છે.
પર્યાવરણ મંત્રાલયના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫માં રીંછના હુમલાની રેકોર્ડબ્રેક ઘટનાઓ બની હતી, જેમાં ૨૩૮ લોકો પ્રભાવિત થયા હતા અને ૧૩ લોકોના મોત નીપજ્યા હતા. આ જાેખમને પહોંચી વળવા જાપાન સરકારે આ વર્ષે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે.
વન્યજીવ નિષ્ણાતોના મતે, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના કારણે જંગલોમાં રીંછનો મુખ્ય ખોરાક ગણાતા ઓક અને બીચનટ્સ જેવા ફળોની પેદાશ ઘટી ગઈ છે. બીજી તરફ, ગ્રામીણ વિસ્તારોમાંથી લોકોનું શહેરો તરફ પલાયન વધતાં ખાલી પડેલી જમીનો ઝાડીઓમાં ફેરવાઈ ગઈ છે. આ જ કારણે રીંછ હવે ખોરાકની શોધમાં જંગલ છોડીને માનવ વસ્તીવાળા શહેરો તરફ આવી રહ્યા છે.



