
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેવો આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારનો અવાજ મજબૂતી ઉઠાવતા આવ્યા છે, જળ જંગલ અને જમીન માટે લડી રહ્યા છે, આવા મજબૂત નેતાની સામે ભાજપે દમન કરીને કેસ નોંધ્યો હતો અને હવે એ કેસમાં એમને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. બીજી બાજુ હાર્દિક પટેલનો કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે, આ સરકારના બેવડા ધોરણો દર્શાવે છે અને આ લોકતંત્ર પર પ્રહાર છે.
વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ જણાવ્યું હતું કે, વધુ દુઃખદ બાબત એ છે કે 17 દિવસના બાળક સાથે એક મહિલાએ જેલમાં જવું પડે છે, આ માનવતા માટે શર્મનાક ઘટના છે. તો અમે આ ઘટનાનો વિરોધ કરીએ છીએ. 26 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં રાજ્ય વ્યાપી આંદોલનની શરૂઆત કરવામાં આવશે. 26 જૂને દરેક જિલ્લામાં, 28 જૂને દરેક વિધાનસભામાં અને 30 જૂને દરેક જિલ્લા પંચાયતની સીટ અને વોર્ડ પર એમ 1000થી વધુ જગ્યાએ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં “સપોર્ટ માર્ચ”નું આયોજન કરવામાં આવશે અને અમે સરકારના બહેરા કાનો સુધી અમારો અવાજ પહોંચાડવાની કોશિશ કરીશું. આ આંદોલન ફક્ત ચૈતર વસાવા માટે નહીં પરંતુ ગુજરાતના સ્વાભિમાન અને લોકતંત્ર માટે છે.



