
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી હતી. તારીખ 27ના રોજ સવારે ખંભાળિયા સર્કિટ હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીની કોર્ટમાં જીત થઈ એ મુદ્દે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે પ્રેસ કોન્ફરન્સ કરી, ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરી. ત્યારબાદ દ્વારકાધીશ કેમ્પની મુલાકાત લીધી અને પદયાત્રા કરનાર લોકોને જમાડ્યા. ત્યારબાદ બાદલિયા સિંહણ, ધરમપુર, આહીરસિંહણમાં ખેડૂતો સાથે બેઠક કરી અને રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે બેઠક કરી. તો આ આખા દિવસની યાત્રામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો અને સાથે સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો પણ જોડાયા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ ગામેગામ જઈને ખેડૂતોને મળ્યા હતા તથા તેમના પ્રશ્નોને જાણ્યા હતા. ખેડૂતો સાથે ખાટલા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ગામોમાં આમ આદમી પાર્ટીના નેતાઓનું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું અને લોકોએ સંકેત આપી દીધા કે આમ આદમી પાર્ટી હવે આવનારી ચૂંટણીઓમાં નવો ઇતિહાસ રચવાની છે.
આહિરસિંહણ ગામે આયોજિત ખાટલા બેઠકમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખેડૂતો સમક્ષ પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે જો જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, સાંસદ સભ્ય, મંત્રી કે મુખ્યમંત્રી ખેડૂત સમાજમાંથી હોત તો ખેડૂતોની પરિસ્થિતિ આજે આટલી કથળી ન હોત. ઘણા લોકોને લાગતું હોય છે કે એ નેતા લોકો આપણી જ્ઞાતિના છે પરંતુ એ લોકો કોઈ આપણી જ્ઞાતિના નથી તે લોકો ફક્ત ભાજપના છે. એ લોકો પોતાના દીકરાઓના વેપાર ધંધા માટે રાજનીતિમાં આવ્યા છે, તમારા કોઈના માટે નહીં. બીજી બાજુ આજે આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામ જે ખેડૂતોને ઓળખતા પણ નથી, એ ખેડૂતો માટે પોણા ચાર મહિના જેલમાં રહીને આવ્યા. આપણે અહીંયા ખેડૂતો ચૂંટણીના દિવસે જાતિ જ્ઞાતિમાં વહેંચાઈ જાય છે. પાંચ વર્ષે એક વખત તમારી પાસે મોકો આવે છે આ લોકોને સત્તામાંથી દૂર કરવાનો અને એ દિવસે તમે ખેડૂત સમાજમાંથી આવો છો એ વાત ભૂલી જાઓ છો તો આપણા દેશને કોઈને બચાવી શકે. ચૂંટણીઓ આવશે અને જશે પરંતુ જો ખેડૂતો જાતિ જ્ઞાતિના વાડામાંથી બહાર નહીં આવે તો તમારા દીકરાઓના ભવિષ્ય ખરાબ થઈ જશે.
પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા આહિરસિંહણ ગામના ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે સરકાર 30 વર્ષથી બેઠી છે, તેના માટે ખેડૂત, ખેતી અને ગામડાઓનું કોઈ મહત્વ નથી. જો ભાજપ સરકાર ખેડૂતોને ભલું ઇચ્છતી હોત તો ગુજરાતના ગામડાઓની અને ખેડૂતોની પરિસ્થિતિ સુધરી હોત. તો હવે આ સરકાર પાસે આશા રાખવી જોઈએ નહીં. આવી પરિસ્થિતિમાં એક સામાન્ય પાર્ટી એવી આમ આદમી પાર્ટી આવી છે જે જનતાના મુદ્દે લડત લડે છે, ખેડૂતો મુદ્દે લડત લડે છે. આજે આપણા માટે ગર્વની બાબત છે કે એક પત્રકાર તરીકે હંમેશા ખેડૂતોનો અવાજ ઉઠાવનાર વ્યક્તિ આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે અને એક સમયે તેમનો કાર્યક્રમ શરૂ થાય તે સમયે ગામડાઓમાં કર્ફ્યુ લાગી જતા હતા. ઈસુદાન ભાઈએ ખેડૂતોના અવાજને વાચા આપવાનું કામ કર્યું પરંતુ એમને લાગ્યું કે ફક્ત ટીવી દ્વારા ખેડૂતોનું ભલું નહીં થઈ શકે માટે તેઓ રાજનીતિમાં આવ્યા અને આમ આદમી પાર્ટીનું નેતૃત્વ સ્વીકાર્યું. અને આ આમ આદમી પાર્ટી માટે એક ગર્વની બાબત છે ઈસુદાન ભાઈએ સંઘર્ષનો રસ્તો અપનાવ્યો અને સત્તામાં બેસેલા તાનાશાહોની સામે લડવાનું કામ કર્યું.
ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે યાત્રા દરમિયાન આહિરસિંહણ ગામના ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, શું ખેડૂતો માટે અવાજ ઉઠાવો એ કોઈ ગુનો છે? છતાં પણ મને પોણા ચાર મહિના જેલમાં નાખી દીધો અને મારી સાથે અનેક ખેડૂતોને પણ જેલમાં નાખ્યા. તો હું હવે ગુજરાતના ખેડૂતોને એટલું જ કહીશ કે મને જે યાતના આપી છે એનો બદલો પણ ખેડૂતોએ જ લેવો પડશે, આ માંગણી તમારા દીકરા તરીકે હું કરી રહ્યો છું. આપણા નેતા ઈશુદાન ગઢવીએ હંમેશા સમાજથી ઉપર જઈને હંમેશા ખેડૂતોની વાત કરી છે અને જે સમય રાજનીતિમાં ન હતા તે સમયે પણ ખેડૂતોની વાત કરતા હતા અને એમણે હંમેશા સર્વ સમાજના ખેડૂતોની વાત કરી છે તો હવે સર્વ સમાજના ખેડૂતોની પણ ફરજ બને છે કે જાતિ જ્ઞાતિ ધર્મના બંધનમાંથી મુક્ત થઈને તમામ ખેડૂત સમાજ એ ઈસુદાનભાઈ સાથે ખભેથી ખભો મિલાવીને તેમને સમર્થન આપવું જોઈએ.




