
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન )ની પ્રક્રિયા શરૂ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને હાલમાં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જ્યારે મળતા અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં SIR ની પ્રક્રિયાને કારણે 6 કરોડ જેટલા અધધધ!! નામો મતદારયાદીઓમાંથી દૂર કરવામાં આવ્યા છે.
અને આ એક ગંભીર બાબત છે કે જેનાથી એ સવાલ ઉભો થાય છે કે શું આટલા બધા લોકો ખરેખર મતદાન કરવા માટે અયોગ્ય છે? અહીં સૌથી મોટી ચિંતા એ છે કે જેમના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે તેમના માટેનું ભવિષ્ય શું છે? ઉપરાંત તેમને મતદાન કરવા માટે અયોગ્ય માનવામાં આવે છે તો આ તેમના અન્ય અધિકારોને કેવી અસર કરશે? આ પ્રશ્ન પણ મહત્વપૂર્ણ છે કારણ કે પશ્ચિમ બંગાળ અને બિહારમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીઓ પછી અહેવાલો બહાર આવ્યા છે કે બંને રાજ્યોમાં સુધારેલી મતદાર યાદી માંથી ડેટા લઈને હવે સરકારી સામાજિક સુરક્ષા યોજનાઓમાં સમાવિષ્ટ કરવામાં આવશે. એટલે કે આ નવી મતદાર યાદીમાં જેમના નામ હશે એમને સરકારી યોજનાઓના લાભ મળશે અને જેમને બાકાત કરવામાં આવ્યા છે એવા આવી યોજનાઓના લાભથી દૂર રહેશે એવી શંકા ઉત્પન્ન થઈ રહી છે.
આમ યાદીમાંથી બાકાત રાખવામાં આવેલા લોકો હવે તેમના નાગરિકત્વના દરજ્જા વિશે ચિંતિત છે. કારણ કે તેઓ સરકારી કલ્યાણકારી યોજનાઓની લાભાર્થી યાદી માંથી બહાર થવાના જોખમનો સામનો પણ કરે છે. પરિણામે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. ચૂંટણી પંચની જવાબદારી છે કે કોઈપણ લાયક વ્યક્તિને ટેકનિકલ કારણોસર અથવા સમયસર દસ્તાવેજો એકત્રિત કરવામાં અસમર્થતાને કારણે મતદાન કરવાનો અધિકાર નકારવામાં ન આવે.
એ યાદ રાખવું જોઈએ કે લોકશાહી ખરેખર ત્યારે જ ખીલે છે જ્યારે લાયક નાગરિકોના મતદાન અધિકારોનું રક્ષણ કરવામાં આવે અને ચૂંટણીઓ ન્યાય અને પારદર્શક રીતે કરવામાં આવે ત્યારે જ સાચી લોકશાહીના દર્શન થશે.



