
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશભરના લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે ભાવિ સપનાઓ સાથે એન્જીનિયરીંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે અથાક મહેનત કરે છે. પરંતુ જ્યારે આવી મહત્વની પરીક્ષાઓમા ગેરરીતિના અહેવાલો સામે આવે છે અથવા પેપર લીકને કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવે છે ત્યારે તેમની આશાઓ પર પાણી ફરી વળે છે. આ વર્ષે ફરી એકવાર મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 અંગે પેપર લીકના ગંભીર આરોપો સામે આવતા નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) ને 3 મે ના રોજ યોજાયેલી પરીક્ષા રદ કરવા માટે ફરજ પડી છે. વધુમાં આ બાબતની તપાસ CBIને સોંપવામાં આવી છે.
અહી પ્રશ્ન એ થાય છે કે આવી અત્યંત મહત્વની પ્રવેશ પરીક્ષાઓમા વારંવાર ગેરરીતિઓના કિસ્સાઓ કેમ સામે આવે છે? NTA (નેશનલ ટેસ્ટીંગ એજન્સી) દાવો કરે છે કે, પ્રશ્નપત્રો તૈયાર કરવાથી લઈને સંબંધિત પરીક્ષા કેન્દ્રો પર તેમના ડિલિવરી સુધી સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવે છે. અને તમામ જરૂરી સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવે છે. આ જોતા પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓના ચોક્કસ જુથ સુધી કેવી રીતે પહોંચે છે? આવી બાબતો શું દર્શાવે છે? આખરે NTA (નેશનલ ટેસ્ટીંગ એજન્સી) અને તપાસ એજન્સીઓ આ વાતનું મૂળ કારણ કે ચોક્કસ છટકબારી ઓળખવામાં અસમર્થ કેમ છે? કે જે અનિયમિતતાના આ વારંવારના દુષ્ચક્રને ચાલુ રહેવા દે છે?
દેખીતી રીતે, પરીક્ષાનું સંચાલન કરવા માટે જવાબદાર સંસ્થા અન્ય સંકળાયેલ સંગઠનો અને “પેપર લીક માફિયા” વચ્ચેની સાંઠગાંઠ વિના આવી ઘટનાઓ શક્ય નથી. સરકારે આ પરીક્ષાઓની તૈયારીમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી ભારે મહેનતને ગંભીરતાથી ધ્યાનમાં લેવી જોઈએ. ખરેખર ઘણા પરિવારો મોંઘા કોચિંગ માટે તેમની જમીન કે ઘરેણા ગીરવે મુકવા સુધી જાય છે જ્યારે ઘણા વિદ્યાર્થીઓ બેન્ક લોન લે છે.તેથી પ્રવેશ પરીક્ષાઓમાં થતી ગેરેરીતિઓ અને અનિયમિતતાઓને રોકવા માટે કડક પગલાં અમલમાં મૂકવા ખૂબ જ જરૂરી છે જેથી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમ માં ન પડે.
૩૦ લાખ રૂપિયામાં NEET-UGનું પેપર ખરીદનારા રાજસ્થાનના બે ભાઈઓ ઝડપાયા. દીકરા માટે ગુરુગ્રામના ડોક્ટર સાથે ડીલ કરી હતી. NEET-UG ના પેપર લીક કેસમાં રાજસ્થાનથી બે ભાઈઓની ધરપકડ થઈ છે. બંને ભાઈઓએ પરીક્ષા પહેલા ગુરુગ્રામના એક ડોક્ટર પાસેથી પેપર મેળવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ રાજસ્થાનના જામવા રામગઢમાં રહેતા માંગીલાલ અને દિનેશ બિવાલે પરીક્ષા પહેલા ૨૬ એપ્રિલે 30 લાખ રૂપિયા આપીને પેપર ખરીધ્યું હતું. એમાંના એક ભાઈએ આ પેપર રાજસ્થાનના જ સીકરમાં મેડિકલ પરીક્ષાની તૈયારી કરી રહેલા તેના પુત્રને આપ્યું હતું.
૨૯ તારીખે આ પેપર બીજા સ્ટુડન્ટને પણ વેચવામાં આવ્યું હતું અને ત્યાર પછી આ પેપર બધે જ ફેલાઈ ગયું હતું. આમાંથી એક ભાઈનું રાજકીય કનેક્શન હોવાનું પણ બહાર આવ્યું છે એ ડોક્ટર કોણ છે? રહસ્ય અકબંધ છે. સાયન્સના વિષય સાથે ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરે અને NEETની પરીક્ષા સારા માર્કસ થી પાસ કરે તેવા જ વિદ્યાર્થીઓને MBBS મેડિકલમાં પ્રવેશ મળે છે. અને આ મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે NEET માં ઘાલમેલ ભ્રષ્ટાચાર ચાલુ થયેલ છે. અને શોર્ટકટમાં મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે કેટલાક વાલીઓ તેમના બાળકોને ડોક્ટર બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચીને NEET ના પેપર ખરીદતા હોય છે. વિદ્યાર્થીઓ ૧૦૦ ટકા નિર્દોષ હોય છે પરંતુ તેઓના વાલીઓ અને મા-બાપ પોતાના બાળકોને ડોક્ટર બનાવવા માટે આવા ગેરકાયદેસરના કૃત્ય તરફ વળે છે. જ્યાંથી આ ભ્રષ્ટાચાર શરૂ થાય છે.
જે સામાન્ય વિષયો સાથે ધોરણ-૧૨ ની પરીક્ષાઓ લેવાય છે એજ વિષયો NEETની પરીક્ષામાં હોય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે જો NEET વગર ધોરણ-૧૨ ની પરીક્ષા ના રિઝલ્ટ ના આધારે MBBS અને મેડિકલમાં પ્રવેશ આપવામાં આવે તો ફેર શું પડે? ધોરણ-૧૨ માં સારા માર્કસ હોય તો NEETમાં સારા માર્ક આવી શકે પરંતુ જેઓને ધોરણ-૧૨ સાયન્સમાં ઓછા માર્કસ હોય પરંતુ મેડિકલમાં જવું હોય તો NEET જેવી ભ્રષ્ટાચારી પરીક્ષાની જરૂર રહે. NEETની પરીક્ષા પહેલા જે ડોક્ટરો એ પ્રવેશ લઈ ડોકટરો બનેલ છે શું તેઓ હોંશિયાર ન હતા?



