
SIT ને મળ્યા પુરાવા, અનિલ મિશ્રા પર સકંજાે કસાશે.અયોધ્યા રામ મંદિરમાં નોકરી માટે પણ કમિશનખોરી?.૧૨૫ થી વધારે કર્મચારી મિશ્રાની ભલામણથી આવ્યા હતા.અયોધ્યાના રામ મંદિરના દાનના નાણાંમાં થયેલી કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં તપાસ આગળ વધતા પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાની મુશ્કેલીઓ વધી રહી છે.
કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને શંકા છે કે મંદિરમાં થયેલી કર્મચારીઓની ભરતીમાં પણ ગેરરીતિ થઈ હોઈ શકે છે. તપાસમાં સામે આવ્યું છે કે લગભગ ૧૨૫ કર્મચારીઓને અનિલ મિશ્રાની ભલામણના આધારે નોકરી આપવામાં આવી હતી. હવે તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે શું નોકરી અપાવવાના બદલામાં કમિશન અથવા લાંચ લેવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ૧૨૫ કર્મચારીઓમાં અનિલ મિશ્રાના કેટલાક સંબંધીઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ તાજેતરમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. SIT બંનેની અગાઉ પૂછપરછ પણ કરી ચૂકી છે. તપાસ દરમિયાન અનિલ મિશ્રાની આવક અને સંપત્તિની પણ તપાસ કરવામાં આવી રહી છે. ટ્રસ્ટી બન્યા બાદ તેમની સંપત્તિમાં કેટલો વધારો થયો તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ કેસમાં ઝડપાયેલા અનુકલ્પ અને લવકુશ નામના બે આરોપીઓ પણ અનિલ મિશ્રાના સંબંધીઓ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ અત્યાર સુધીમાં આ કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. CCTV ફૂટેજના આધારે તેમની ઓળખ થઈ હતી. પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દાનની ગણતરી થતા રૂમની એક ચાવી આરોપી ટિન્નુ યાદવ પાસે હતી. જ્યારે બીજી ચાવી બેંક અધિકારીઓ પાસે રહેતી હતી. આરોપ છે કે કેટલાક બેંક કર્મચારીઓની સાંઠગાંઠથી દાનના નાણાંની હેરાફેરી કરવામાં આવતી હતી.
આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેઓ કેમેરાની નજરથી બચવા માટે ખાસ રીત અપનાવતા હતા. એક વ્યક્તિ રોકડની ગડ્ડીઓ ઉઠાવતો અને અન્ય લોકો તેની આસપાસ ઊભા રહી CCTV ની નજરમાં આવતા બચી જતા હતા. ત્યારબાદ નાણાંને બાથરૂમમાં છુપાવી યોગ્ય સમયે બહાર લઈ જવામાં આવતા હતા. નિયમ મુજબ, રામ મંદિરમાં મળતા રોકડ દાનની ગણતરીની જવાબદારી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની દેખરેખ હેઠળ ૧૪ સભ્યોની ટીમ સંભાળે છે. તેમ છતાં કથિત આંતરિક સાંઠગાંઠના કારણે આ મોટું કૌભાંડ સામે આવતા હવે સમગ્ર મામલે SIT ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.



