
મારી ધરપકડ કે હત્યા પણ થઈ શકે : શેખ હસીના શેખ હસીના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછા ફરી શકે છે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના કોર્ટ સામે સરન્ડર કરી શકે છે : તેમને કોર્ટે ફાંસીની સજા સંભળાવેલી છે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ પાછા ફરી શકે છે. રોયટર્સના એક રિપોર્ટ મુજબ દેશ પાછા ફર્યા બાદ પોતાના સહયોગીઓને મળીને શેખ હસીના કોર્ટ સામે સરન્ડર કરી શકે છે. તેમને બાંગ્લાદેશની એક કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. તેમની પાર્ટી અવામી લીગ ઉપર પણ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ વર્ષે થયેલી સંસદીય ચૂંટણીમાં શેખ હસીનાની પાર્ટીને ચૂંટણી લડવા દેવાઈ નહતી.
રોયટર્સના જણાવ્યાં મુજબ શેખ હસીના અને તેમની પાર્ટીના વરિષ્ઠ નેતા ડિસેમ્બરની આસપાસ ભારતથી બાંગ્લાદેશ પાછા ફરીને સરન્ડર કરવાની યોજના ઘડી રહ્યા છે. દક્ષિણ એશિયાઈ દેશ બાંગ્લાદેશના સૌથી લાંબા સમય સુધી સત્તામાં રહી ચૂકેલા શેખ હસીનાએ કહ્યું કે તેઓ અને તેમની પાર્ટીના સભ્ય સ્વચ્છાએ બે વર્ષ પહેલા જે દેશને છોડીને આવ્યા હતા ત્યાં પાછા ફરવા માંગે છે અને કોર્ટમાં હાજર થવા ઈચ્છે છે. જેનાથી ખબર પડશે કે બાંગ્લાદેશ પોતાના સૌથી પ્રમુખ રાજનીતિક વિરોધીના કેસને કેવી રીતે સંભાળે છે.
શેખ હસીનાએ ગુરુવારે મોડી રાતે લગભગ એક કલાક સુધી રોયટર્સ સાથે ફોન પર વાત કરી. તેમણે કહ્યું કે હું પાછી ફરું તો તેઓ મારી ધરપકડ કરી શકે છે,એટલે સુધી કે હત્યા પણ કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, આમ છતાં મારે જવું છે.
મારી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ વધુ પડતા દમનનો સામનો કરવો પડી રહ્યો છે. જાે મોત આવવાનું જ હશે તો હું ઈચ્છું છું કે તે મારી પોતાની જમીન પર આવે જ્યાં મારા માતા પિતા દફન છે અને જ્યાં તેમનું લોહી વહ્યું હતું.
અત્રે જણાવવાનું કે જાે શેખ હસીના બાંગ્લાદેશ પાછા ફરે તો વર્તમાન પ્રધાનમંત્રી તારિક રહેમાન માટે આ મુદ્દો સંભાળવવો એટલો સરળ નહીં રહે. આ વર્ષે ચૂંટણી થઈ ત્યારે એ તો સ્પષ્ટ થઈ ગયું હતું કે શેખ હસીના પાસે હજુ પણ દેશમાં ભારે સમર્થન છે. તારિક રહેમાન લગભગ ૨ વર્ષ વચગાળાની સરકાર રહ્યા બાદ હવે દેશમાં સ્થિરતા લાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ શેખ હસીના પાછા ફરશે તો તેમના સમર્થકોનો જાેશ હાઈ થઈ શકે છે અને તેઓ એકવાર ફરીથી દેશના રાજકારણમાં હાવિ થઈ શકે છે. શેખ હસીનાની ધરપકડ કરવી પણ તેમના માટે સરળ નહીં રહે.
શેખ હસીના હાલ ભારતમાં છે અને ભારતે તેમને રાજકીય શરણ આપેલી છે. તારિક રહેમાનની સરકાર શેખ હસીનાના પ્રત્યાર્પણની કોશિશો કરી રહી છે પરંતુ ભારત સરકાર તેમને બાંગ્લાદેશને સોંપે તેવી શક્યતા નહીંવત છે. શેખ હસીનાએ કહ્યું કે બાંગ્લાદેશના અધિકારીઓ મને ભારતથી પાછા લઈ જવા ઈચ્છે છે. તેઓ સતત ભારત સરકારને પત્ર લખી રહ્યા છે જેમાં તેઓ મારા પ્રત્યાર્પણની માંગણી કરે છે.




