
યુદ્ધ વચ્ચે ઈસ્લામાબાદમાં થશે શાંતિ મંત્રણા? ઈરાન તૈયાર પણ ઈઝરાયલે કહ્યું અમને પાકિસ્તાન પર ભરોસો નથી આ ઉપરાંત ઈરાનના વિદેશ મંત્રીએ પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા ન કરવાના અહેવાલોને ફગાવી દીધા છે એકતરફ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ૩૭ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજીતરફ શાંતિ મંત્રણાની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈરાને અમેરિકાની પોલ ખોલી છે, તો ઈઝરાયેલે શાંતિ મંત્રણાને લઈને પાકિસ્તાની ફજેતી કરી નાખી છે. આ ઉપરાંત ઈરાનના વિદેશ મંત્રીએ પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા ન કરવાના અહેવાલોને ફગાવી દીધા છે.
યુદ્ધની સ્થિતિ અને પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી કરવાની ઓફર મુદ્દે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર વચ્ચે ફોન પર વાત થઈ છે. આ પહેલા ઈરાને અમેરિકાની પોલ ખોલી છે. અરાઘચીએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમેરિકન મીડિયા ઈરાનના વલણને ખોટી રીતે ફેલાવી રહ્યો છે. ઈરાને મધ્યસ્થી કરવા માટે પાકિસ્તાનમાં જવાનો ક્યારેય ઈન્કાર કર્યો નથી.’ આ માટે તેમણે પાકિસ્તાનનો આભાર પણ માન્યો છે. પાકિસ્તાને ઈરાન-અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાનો ૨૫ માર્ચે પ્રસ્તાવ મૂક્યો હતો. તે વખતે ઈરાનને પાકિસ્તાન પર ભરોસો ન હોવાનો અને પ્રસ્તાવ ઠુકરાવી દીધો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જાેકે હવે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનમાં ન જવાના અહેવાલોને ફગાવી દીધા છે અને પાકિસ્તાનના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ઈરાન માત્ર શરતો મુજબ વાતચીત કરવા માંગે છે.
ઈરાનના વિદેશ મંત્રીએ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર સાથે ફોન પર વાતચીત કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને નેતાઓએ વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી છે અને આગામી સમયમાં પણ સંપર્ક જાળવી રાખવા સંમત થયા છે. ડારે તણાવ ઘટાડવા માટે પાકિસ્તાનના પ્રયાસો ફરી યાદ અપાવ્યા છે. ડારે કહ્યું કે, સમસ્યાનું સમાધાન માત્ર વાતચીત અને રાજદ્વારીથી જ થઈ શકે.
વાસ્તવમાં કેટાલ મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, ઈરાને છેલ્લી ઘડીએ ઈસ્લામાબાદમાં વાતચીત યોજવાનો ઈન્કાર કર્યો હતો. આ અહેવાલો સામે આવ્યા બાદ અરાઘચીએ સ્પષ્ટતા કરી છે. ઈશાક ડારે પણ અરાઘીચીનો આભાર માનીને કહ્યું કે, ‘તમારી સ્પષ્ટતા બદલ આભાર, આનાથી બંને દેશો વચ્ચે સકારાત્મક સંબંધો હોવાના સંકેત મળ્યા છે.’
બીજીતરફ ઈઝરાયલે પાકિસ્તાન પર વિશ્વાસ રાખવાનો અને તેના દ્વારા મધ્યસ્થી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ભારત સ્થિત ઈઝરાયલના રાજદૂત રૂવેન અજારે કહ્યું કે, ‘તેમનો દેશ એવા કોઈપણ દેશ પર વિશ્વાસ નહીં મુકે, જેઓ સાથે તેના રાજદ્વારી સંબંધો નથી. ઈઝરાયલ પોતાના ર્નિણય જાતે લે છે અને તે અમેરિકાના વલણ પર પણ વિશ્વાસ કરે છે.’ આમ એકતરફ ઈરાન અને પાકિસ્તાન વાતચીતથી સમાધાન કરવાના પ્રયાસો કરી રહ્યા છે, તો બીજીતરફ ઈઝરાયલે પાકિસ્તાન પર વિશ્વાસ ન હોવાનું કહેતા શાંતિ મંત્રણા જટિલ બની રહી છે.




