
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ સુરતમાં ભરાયેલા પાણીના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ તકે મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, ગત ૬ અને ૭ જુલાઈના રોજ સુરતમાં પડેલા પહેલા જ વરસાદને કારણે લગભગ તમામ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરો, દુકાનો અને બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જે આજે ચાર દિવસ પછી પણ હજુ સુધી ઓસર્યા નથી. આમ તો સુરતના લોકોએ ભૂતકાળમાં પણ આવી નાની-મોટી વિપદાઓ અને કુદરતી આફતોનો હસતા મુખે તથા ખંતપૂર્વક સામનો કર્યો છે, પરંતુ આ વખતની પરિસ્થિતિ તદ્દન અલગ છે. આ વખતે આપણે વેપારીઓની આંખોમાં આંસુ જોયા છે અને આ પૂરમાં આશરે ૪૦ થી વધારે જેટલા લોકોના મૃત્યુ થતાં પરિવારોનો કરુણ આક્રંદ પણ સામે આવ્યો છે. આજે સમગ્ર સુરત સ્તબ્ધ છે કે માત્ર ૨૪ કલાકના વરસાદથી આવી ગંભીર પરિસ્થિતિ કેમ સર્જાઈ? આટલું કરોડો રૂપિયાનું નુકસાન કેવી રીતે થયું અને તેની પાછળના અસલી કારણો શું છે? આ પૂર્વે ૨૦ વર્ષ પહેલાં, વર્ષ ૨૦૦૬માં એક ભયાનક પૂર આવ્યું હતું. એ પૂર બાદ આપણને આશા હતી કે શાસકો થોડા સુધરશે અને નવી ટેક્નોલોજી તથા સાચી વિકાસ નીતિ સાથે આગળ વધશે. પરંતુ આપણે એ વાત ખાસ નોંધવી જોઈએ કે ૨૦૦૬માં સુરતમાં આવેલું પૂર સ્થાનિક વરસાદને કારણે નહીં, પરંતુ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે આવ્યું હતું. આ જ પરિસ્થિતિમાં કલ્પના કરો કે, જો આ વખતે સુરતમાં ભારે વરસાદની સાથે-સાથે ઉપરવાસમાંથી પાણી પણ છોડવામાં આવ્યું હોત, તો કેવી સ્થિતિ સર્જાત? તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આટલા વર્ષોના શાસન પછી પણ આપણા શાસકો કંઈ શીખ્યા કેમ નહીં?
’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૦૬ના પૂર બાદ ઘણી સમિતિઓ બની અને વિવિધ સંસ્થાઓએ સર્વે કર્યા હતા. સરકારના ફ્લડ ડિપાર્ટમેન્ટ, આઈઆઈએમ (IIM) અમદાવાદ અને વર્લ્ડ બેંક દ્વારા કરવામાં આવેલા સર્વેના અહેવાલો સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને સોંપવામાં આવ્યા હતા. આ તમામ કમિટીઓએ સુરતમાં પૂરની સ્થિતિ નિવારવા માટે એકસમાન અને ચોક્કસ સૂચનો કર્યા હતા. તેમાંનું પહેલું સૂચન એ હતું કે, સમગ્ર શહેરમાં ડ્રેનેજ સિસ્ટમ દુરસ્ત કરી મોટી સ્ટોર્મ વોટર લાઈનો નાખવી અને વરસાદી પાણીના નિકાલની અલગ વ્યવસ્થા ઊભી કરવી. બીજું, સુરતમાંથી પસાર થતી વિવિધ વિસ્તારોની ખાડીઓને પહોળી અને ઊંડી કરવી, જેથી વરસાદી પાણી સરળતાથી વહીને દરિયા સુધી પહોંચી શકે. ત્રીજું, સુરત શહેરના અનેક તળાવો અને જળાશયોનો સુચારું વિકાસ કરવો, જેથી કરીને રેન વોટર હાર્વેસ્ટિંગ થઈ શકે અને શહેરમાં પડતા વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ તેમજ નિકાલ થઈ શકે. ચોથી બાબત એ હતી કે, સુચારું અર્બન ડેવલપમેન્ટ એટલે કે સિટી પ્લાનિંગ વ્યવસ્થિત રીતે કરવું; જેમ ટ્રાફિક મેનેજ કરવા માટે રસ્તાઓ અને સિગ્નલોની વ્યવસ્થા કરવામાં આવે છે, તેવી જ રીતે વરસાદી પાણી માટે પણ વ્યવસ્થા કરવાની હોય છે. તો આ ૨૦ વર્ષની અંદર ભાજપના શાસકોએ શું કર્યું? એમણે પાણીના નિકાલના પ્રશ્નો પર કામ કરવાને બદલે, કપાતની કીમતી જમીનોનો વેપાર કર્યો અને પોતાના પ્રોજેક્ટોમાં ભ્રષ્ટાચાર કરીને પૈસા બનાવ્યા. અમે જ્યારે આ અંગે રિસર્ચ કર્યું અને વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી, ત્યારે ગંભીર બાબત સામે આવી કે સુરતની સ્ટોર્મ લાઈનોની સફાઈ છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી જ નથી. શાસકો એવું માનીને બેઠા છે કે વરસાદ આવશે એટલે સ્ટોર્મ લાઈનનો કચરો પોતાની જાતે જ સાફ થઈ જશે! જ્યારે પ્રી-મોન્સૂન કામગીરી કરવાનો સાચો સમય હતો, ત્યારે ભાજપના શાસકો ચૂંટણીઓ, મેયર અને સમિતિના સભ્યોની પસંદગી તથા સત્તા કોના હાથમાં આવશે તેની આંતરિક ખેંચતાણમાં વ્યસ્ત હતા. ૮૦ લાખથી વધુ વસ્તી ધરાવતા આટલા મોટા શહેરમાં આવી ગંભીર બેદરકારી જોઈને આપણને ભારે આશ્ચર્ય થાય છે.
મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આટલી મોટી આપત્તિ અને પૂર આવ્યા પછી પણ આપણે જોયું કે, જાણે પોતે કોઈ મોગલ શહેનશાહ હોય તેમ આ શાસકો લોકોની વચ્ચે જઈને માત્ર શો-બાજી અને દેખાડો કરી રહ્યા છે તથા સહાયના નામે જનતાની મજાક ઉડાવી રહ્યા છે. તેઓ પોતે જાણે ભગવાનના અવતાર હોય અને લોકો પર ઉપકાર કરતા હોય તેવો દેખાવ કરી રહ્યા છે. ખરેખર તો, વર્ષ ૨૦૦૭માં સુરતની ઓક્ટ્રોય નાબૂદ થઈ ત્યારથી લઈને આજ સુધી આ ટ્રિપલ એન્જિન સરકારે માત્ર સુરત સાથે અન્યાય જ કર્યો છે. સુરતના ભાગે આવતી અંદાજે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી માત્ર ૬,૫૦૦ કરોડ જેટલી જ ગ્રાન્ટ સુરતને મળી છે અને બાકીની ગ્રાન્ટ આ સરકારે હજુ સુધી આપી નથી. અહીંના ધારાસભ્યો હોય કે સંસદસભ્યો, કોઈએ વિધાનસભા કે સંસદમાં સુરતના ભાગની ગ્રાન્ટ માટે ક્યારેય રજૂઆત કરી નથી. સુરતમાં જે પણ વિકાસકાર્યો થાય છે, તે માત્ર ને માત્ર સુરતના લોકોના વેરાની આવક અને તેમના પોતાના પૈસાના આધારે જ કરવામાં આવે છે. આમ, તમામ મોરચે ભાજપના શાસકો સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છે. મારે સરકાર પાસે સુરતના લોકો માટે કોઈ માંગણી નથી કરવી; સુરતના લોકો ખમતીધર છે, તેઓ આવી ૬-૭ હજારની મામૂલી સહાયથી પોતાની જિંદગી બદલવાના નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે, સુરતમાં સર્જાયેલો આ અનર્થ કુદરતી આફત નહીં, પણ ભાજપ સર્જિત હોનારત છે, એક મૃત્યુકાંડ છે અને તેની પાછળ ભારતીય જનતા પાર્ટીનું પાપ જવાબદાર છે. સત્તાના અતિરેકે આ શાસકોને તાનાશાહ અને સ્વચ્છંદી બનાવી દીધા છે અને એમને આ ઘટનાનું સહેજ પણ દુઃખ નથી. આ પૂર આપણી આંખો ખોલવા માટે પૂરતું છે અને સુરત તેમજ ગુજરાતની જનતા માટે આ એક મોટો સબક છે. હવે ભાજપના પાપનો ઘડો ફૂટવાનો અને આ શાસકોની ગુલામીમાંથી મુક્ત થવાનો સાચો સમય આવી ગયો છે.




