
એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ચૂક રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગાયો રન-વે સુધી પહોંચી ટેક્સી ચાલકો જરા પણ ઉભા રહે તો તરત જ એક્શન લેતી સિક્યુરિટીને આ ગાયોની એન્ટ્રી વિશે કેમ જાણ ન થઈ?
હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષામાં ગંભીર ગાબડું પડ્યું હોય તેવી ઘટના સામે આવી છે. અત્યંત હાઈ-સિક્યુરિટી ધરાવતા એરપોર્ટ પરિસરમાં બે ગાયો મુક્તપણે વિહાર કરતી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ ઘટનાને પગલે એરપોર્ટની એન્ટ્રી ગેટ સિક્યુરિટી અને ગાર્ડની સતર્કતા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.
વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે બે ગાયો એરપોર્ટના સંકુલમાં આરામથી ફરી રહી છે. સામાન્ય રીતે એરપોર્ટ પર ટેક્સી ચાલકો કે સામાન્ય નાગરિકોની અવરજવર પર બાજ નજર રાખતી સિક્યુરિટીને આ પશુઓ કેમ દેખાયા નહીં, તે વાત ચર્ચાનો વિષય બની છે. મુસાફરો અને સ્થાનિકોમાં એ વાતનો રોષ જાેવા મળી રહ્યો છે કે જાે ટેક્સી ચાલકો જરા પણ ઉભા રહે તો તરત જ એક્શન લેતી સિક્યુરિટીને આ ગાયોની એન્ટ્રી વિશે કેમ જાણ ન થઈ?
એરપોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પશુઓની હાજરી માત્ર સુરક્ષાની ચૂક નથી, પરંતુ વિમાનના ટેક-ઓફ કે લેન્ડિંગ સમયે મોટી દુર્ઘટનાનું કારણ પણ બની શકે છે. આ મામલે એરપોર્ટ ઓથોરિટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. એરપોર્ટ સત્તાધીશો આ દિશામાં તપાસ કરે અને ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારી ન દાખવાય તે અત્યંત જરૂરી છે.




