
વિયેતનામ બોટ દુર્ઘટના વિયેતનામ બોટ દુર્ઘટના બાદ ૧૫ ભારતીયોના પાર્થિવ દેહ વતન પહોંચ્યા ભારતીય દૂતાવાસ અને રાજ્ય સરકારો સંકલન કરી રહી છે; અકસ્માતના કારણોની તપાસ યથાવત, એક ઘાયલની હાલત ગંભીર વિયેતનામના ફૂ ક્વોક ટાપુ નજીક થયેલા દુ:ખદ બોટ અકસ્માતમાં જીવ ગુમાવનારા ૧૫ ભારતીય નાગરિકોના પાર્થિવ દેહ લઈને વિશેષ વિમાન મુંબઈ પહોંચી ગયું છે. હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર, ભારતીય દૂતાવાસ અને સંબંધિત રાજ્ય સરકારો મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનો સુધી ઝડપથી પહોંચે તે માટે સંકલિત કામગીરી કરી રહ્યા છે.
ભારતીય દૂતાવાસે જણાવ્યું કે પાર્થિવ દેહોને મુંબઈ એરપોર્ટ પરથી સંબંધિત રાજ્યોમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટી તંત્ર પરિવારજનો સાથે સતત સંપર્કમાં રહી જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે. દૂતાવાસે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે સમગ્ર ભારતીય રાજદ્વારી તંત્ર આ મુશ્કેલ સમયમાં પરિવારોની સાથે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૧ જુલાઈએ વિયેતનામના લોકપ્રિય પ્રવાસન સ્થળ ફૂ ક્વોક નજીક એક સ્પીડબોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. બોટમાં ભારતીય પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક ક્રૂના સભ્યો પણ સવાર હતા. અકસ્માતમાં ૧૫ ભારતીય પ્રવાસીઓના મોત થયા હતા, જ્યારે અન્ય ૧૬ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવાયેલા મોટાભાગના પ્રવાસીઓ સારવાર બાદ ભારત પરત ફરી ચૂક્યા છે.
અહેવાલો મુજબ, અકસ્માતમાં ઘાયલ થયેલા એક ભારતીય પ્રવાસીની હાલત હજુ પણ ગંભીર છે અને તેની ફૂ ક્વોકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
વિયેતનામના અધિકારીઓએ સમગ્ર ઘટનાની સત્તાવાર તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બોટ સંચાલન અને સુરક્ષા સંબંધિત પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, તપાસના ભાગરૂપે સ્પીડબોટના સંચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. જાેકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
ફૂ ક્વોક ટાપુ વિયેતનામના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે, જ્યાં દર વર્ષે લાખો સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ મુલાકાતે આવે છે. દરિયાઈ પ્રવાસ અને વોટર સ્પોર્ટ્સ માટે જાણીતું આ સ્થળ હવે આ દુર્ઘટનાના કારણે ચર્ચામાં આવ્યું છે.ભારત સરકાર અને વિયેતનામના અધિકારીઓ વચ્ચે સતત સંકલન ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માતના કારણો અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. આ દરમિયાન સમગ્ર દેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભારતીયોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યો છે.




