
બે ફાઇનલ હાર્યા પછી ત્રીજી માં ચૅમ્પિયન બની. ભારતીય મહિલા ક્રિકેટરો પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ભારતે બૅટિંગ મળ્યા બાદ ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૯૮ રન કરીને સાઉથ આફ્રિકાને ૨૯૯ રનનો તોતિંગ તથા મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતોભારતની મહિલા ક્રિકેટરોએ રવિવારે નવો ઇતિહાસ સર્જ્યાે. તેમણે અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં બાવન રનથી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ભારતીય મહિલા ક્રિકેટરો પહેલી જ વાર વર્લ્ડ કપ જીતી છે. અગાઉ બે વખત ૨૦૦૫માં અને ૨૦૧૭માં ફાઇનલમાં હારી ગયા બાદ ભારતે ત્રીજી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યાે અને સર્વાેચ્ચ ટ્રોફી જીતી લીધી.ભારતના પુરુષોની વન-ડે ટીમે ૧૯૮૩માં કપિલ દેવના નેતૃત્વમાં પહેલી વર્લ્ડ કપ ટ્રોફી મેળવી હતી અને હવે હરમનપ્રીત કૌરે ભારતની મહિલા ક્રિકેટને આ અપ્રતિમ સિદ્ધિ અપાવી છે. ઘરઆંગણે આવેલી ટ્રોફીને ભારતીય ટીમે પોતાના કબજામાં કરી જ લીધી. હરમનપ્રીત, વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના સહિત તમામ ભારતીય ખેલાડીઓ ભાવુક થઈને રડી હતી, એકમેકને ભેટી હતી. બીજી તરફ, સાઉથ આફ્રિકાની પ્લેયર્સ પરાજયના આઘાતમાં હતાશ હતી.વરસાદના વિઘ્નોને કારણે લગભગ બે કલાક મોડી શરૂ થયેલી ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ભારતે ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૯૮ રન કર્યા હતા જેના જવાબમાં સાઉથ
આફ્રિકાની ટીમ ૪૫.૩ ઓવરમાં ૨૪૬ રને ઑલઆઉટ થઈ હતી. સ્પિન-ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (૯.૩-૦-૩૯-૫) ફાઇનલની સુપરસ્ટાર બોલર હતી. બીજી બે સ્પિનર શેફાલી વર્માએ બે વિકેટ અને શ્રી ચરનીએ એક વિકેટ લીધી હતી.ભારતે બૅટિંગ મળ્યા બાદ ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૯૮ રન કરીને સાઉથ આફ્રિકાને ૨૯૯ રનનો તોતિંગ તથા મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ સહિત કેટલીક ગણતરીની બૅટર્સને ભારતીય બોલર્સ કાબૂમાં રાખતાં ભારતીય મહિલાઓ માટે પહેલી વર્લ્ડ કપ ટ્રોફી જીતવી મુશ્કેલ કામ નહોતું એવું મનાતું હતું અને થયું પણ એવું જ. વિમેન ઇન બ્લૂ ટ્રોફી જીતીને રહી.ભારતના ૨૯૮ રનમાં ખાસ કરીને શેફાલી વર્મા (૮૭ રન, ૭૮ બૉલ, બે સિક્સર, સાત ફોર), દીપ્તિ શર્મા (૫૮ રન, ૫૮ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર), સ્મૃતિ મંધાના (૪૫ રન, ૫૮ બૉલ, આઠ ફોર) તેમ જ વિકેટકીપર રિચા ઘોષ (૩૪ રન, ૨૪ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ના યોગદાન હતા. જેમિમા રૉડ્રિગ્સે ૨૪ રન અને કૅપ્ટન હરમનપ્રીતે ૨૦ રન કર્યા હતા. પેસ બોલર આયાબૉન્ગા ખાકાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં સેન્ચુરી (૧૬૯ રન) કરનાર કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે રવિવારે લડાયક ઇનિંગ્સ (૧૦૧ રન, ૯૮ બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)માં સદી ફટકારી ત્યારે સેલિબ્રેશન ટાળ્યું હતું, કારણકે તેની ટીમ હારી રહી હતી. છેવટે ૪૨મી ઓવરમાં વૉલ્વાર્ટે દીપ્તિ શર્માના બૉલમાં બિગ શૉટ માર્યાે અને મિડ વિકેટ પરથી દોડી આવેલી અમનજાેત કૌરે જગલિંગ ઍક્ટમાં (ત્રીજા અટૅમ્પ્ટમાં) તેનો અફલાતૂન કૅચ ઝીલી લીધો હતો. એ સાથે ફાઇટિંગ સ્પિરિટ સાથે રમેલી ઓપનર વૉલ્વાર્ટની યાદગાર ઇનિંગ્સનો અંત આવ્યો હતો.




