
આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ દિલ્હી જંતર-મંતર ખાતેથી એક મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ અને યુવાનોના ફોન તેમજ મેસેજ આવી રહ્યા છે જેઓ દિલ્હી આંદોલનમાં જોડાવા ઈચ્છે છે પરંતુ અનિવાર્ય કારણોસર આવી શકતા નથી. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તેમણે ગુજરાતના તમામ યુવાનો અને વિદ્યાર્થીઓને ખુલ્લું આહ્વાન કર્યું છે કે આવતી ૨૫મી તારીખે સવારે ૧૦:૦૦ કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈને ‘ગુજરાત કોક્રોચ આંદોલન’ની શરૂઆત કરવામાં આવશે. આ આંદોલન દરમિયાન ગુજરાતના અનેક ઉત્સાહી યુવાનો અને વિદ્યાર્થીઓ અનશન પર પણ બેસશે.
’આપ’ નેતા બ્રિજરાજ સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે ગુજરાતના તમામ યુવાનો અને વિદ્યાર્થીઓ એક થઈને રાજ્યમાં વારંવાર થતા પેપર લીક અને વધતી જતી બેરોજગારી સામે વિરોધ નોંધાવે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪૦થી પણ વધુ ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયા છે, જેના કારણે અનેક નિર્દોષ અને મહેનતુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવી પડી છે. યુવાનોના હક, અધિકાર અને ન્યાય માટે આ લડાઈ લડવી અનિવાર્ય બની ગઈ છે. તેમણે યુવાનોને અપીલ કરી છે કે સૌ સાથે મળીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરે અને ૨૫મી તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આ આંદોલનમાં જોડાય.




