
આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી દિલ્હીના જંતર-મંતર ખાતે દેશભરના યુવાનો, વિદ્યાર્થીઓ અને બહેનો આંદોલન કરી રહ્યા છે. NEETનું પેપર ફૂટવાના કારણે અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી આ તાનાશાહ સરકારે આંદોલનકારી વિદ્યાર્થીઓ પર અમાનુષી લાઠીચાર્જ કરાવ્યો છે, જેમાં બહેનો-દીકરીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને વિદ્યાર્થીઓને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. યુવાનો જ્યારે પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવતા હોય ત્યારે સરકારે એમની વાત સાંભળવી જોઈએ, પરંતુ સત્તાધીશો તેમની સામે કડક પગલાં ભરી રહ્યા છે.
’આપ’ નેતા પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આ વિદ્યાર્થીઓની લડાઈને વધુ મજબૂત કરવા માટે ૨૫ જૂલાઈએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક મોટું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં હું પણ જોડાવાની છું. ગુજરાતનો ઈતિહાસ રહ્યો છે કે જ્યારે પણ અન્યાય અને અત્યાચાર સામે લડવાનું થયું છે, ત્યારે ખમીરવંત ગુજરાતીઓ હંમેશા આગળ રહ્યા છે. આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા, યુવાનોના અવાજને વધુ બુલંદ કરવા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવા માટે આપણે સૌએ એક થવું પડશે. હું તમામ ગુજરાતીઓને વિનંતી કરું છું કે ૨૫મી તારીખે સવારે ૧૦ વાગ્યે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહો.




