
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, દેશમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ સામે જનતામાં ભારે રોષ છે. મારી અપીલ બાદ હજારો વિદ્યાર્થીઓ કાળી પટ્ટી ધારણ કરીને કે કાળા કપડાં પહેરીને કોલેજ ગયા હતા, જ્યારે AAP ની વિદ્યાર્થી પાંખ ‘ASAP’ દ્વારા પણ ઠેર-ઠેર વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આગામી 25 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થઈને આ આંદોલનનો ભાગ બનશે. આજે સ્થિતિ એ છે કે ભાજપના પોતાના નેતાઓ કે કાર્યકર્તાઓના બાળકો પણ આ પેપર લીકનો ભોગ બન્યા છે, પરંતુ પદ અને કોન્ટ્રાક્ટ ગુમાવવાના ડરથી તેઓ પોતાની જ પાર્ટી વિરુદ્ધ બોલી શકતા નથી. બીજી તરફ, ભાજપના નેતાઓએ તાજેતરમાં અન્ય પાર્ટીના કાર્યાલય પર જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હકીકતમાં પેપર લીકનો મૂળ મુદ્દો લોકો ભૂલી જાય તે માટે જ ભાજપના લોકોએ આવા નખરાં કરવા પડે છે. હવે પ્રજાએ સ્વીકારી લેવું જોઈએ કે ભાજપ વિપક્ષ તરીકે મજબૂત છે, પણ શાસક તરીકે સાવ નઠારી સાબિત થઈ છે.
’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર વિરોધી અવાજને દબાવવા માટે ભય અને લાભની નીતિ અપનાવે છે. ભાજપ પ્રસિદ્ધ કલાકારોને ડાયરાઓ અને નાટકો જેવા સરકારી કાર્યક્રમો આપીને પોતાની પાર્ટીમાં જોડાવી દે છે, જેથી આ કલાકારો ભાજપ વિરુદ્ધ કશું બોલી જ ન શકે. અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા મોટા કલાકારો મનમાંથી સંવેદનશીલ હોવા છતાં પોતાની મજબૂરીના કારણે ૨૦૧૪ પહેલાં જે રીતે મુદ્દાઓ પર ટ્વિટ કરતા હતા, તેમ આજે નથી કરી શકતા. ઘણા કલાકારો સમાજ માટે રોલ મોડલ હોય છે, પરંતુ જ્યારે પ્રજા પર આફત આવે છે ત્યારે તેઓ મૌન રહીને ‘ઝીરો’ બની જાય છે. બીજી તરફ, ફિલ્મોમાં વિલનના પાત્રો ભજવનારા પ્રકાશ રાજ જેવા અનેક કલાકારો લોકોનો સાચો અવાજ ઉઠાવીને ખરા અર્થમાં ‘હીરો’ બની જાય છે. કરસનદાસ માણેકની પંક્તિઓ ‘મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે, ફૂલડાં ડૂબી જતાં ને પથરા તરી જાય છે’ આજે સમાજ અને સરકારની આ પરિસ્થિતિ પર બિલકુલ સચોટ બેસે છે.




