
અમદાવાદમાં પડેલા વરસાદના કારણે લોકોને જે લાખો અને કરોડોનું નુકસાન થયું છે, તે મુદ્દે હવે લોકોને વળતર ચૂકવવામાં આવે, એ માંગ સાથે આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદના મેયર સમક્ષ રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ સહિત આમ આદમી પાર્ટીના આગેવાન રાજુ દીક્ષિત, દીપક દેસાઈ, જમનાબેન વેગડા, જતીન પટેલ, જુબેરભાઈ, મુકેશ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને નારીબાજી કરીને અમદાવાદના લોકોને વળતર ચૂકવીને ન્યાય આપવામાં આવે તેની માંગણી કરી હતી અને ત્યારબાદ મેયરને આવેદનપત્ર આપ્યું હતું.
આ દરમિયાન પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટે જણાવ્યું હતું કે, આજે અમદાવાદના આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ દાણાપીઠ સ્થિત કોર્પોરેશનની ઓફિસમાં મેયરને આવેદનપત્ર સોંપ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમદાવાદમાં વરસાદ પડ્યો અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા. જેના કારણે લોકો હેરાન પરેશાન થયા, નાના વેપારીઓના ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું અને આ રીતે અમદાવાદના લોકોએ લાખો અને કરોડોનું નુકસાન ભોગવવું પડ્યું છે. વિરોધ પક્ષ તરીકે અમદાવાદના લોકોએ કોંગ્રેસ પાર્ટીને એક ચાન્સ આપ્યો પરંતુ અમદાવાદના લોકોને આટલુ નુકસાન થયું છતાં પણ કોંગ્રેસ પાર્ટી ક્યાંય દેખાતી નથી આનાથી દેખાય છે કે ભાજપ અને કોંગ્રેસ એક જ છે. ભાજપ કહે કે “તમારે કંઈ નહીં કરવાનું” એટલે કોંગ્રેસ કંઈ ન કરે. કોંગ્રેસ પાર્ટી નથી વિચારતી કે કોંગ્રેસને મત અમદાવાદના લોકોએ આપ્યા છે. પરંતુ હવે અમદાવાદના લોકો જાગી ગયા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર કરન બારોટે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દરેક વોર્ડમાં દરેક વિધાનસભાઓમાં જઈ જઈને લોકોની મદદ કરી છે અને તંત્રને જગાડવાનું કામ કર્યું છે. તંત્રએ હજુ સુધી પણ લોકો માટે કોઈ સ્પષ્ટ નિર્ણય કર્યો નથી, માટે આજે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવ્યા છીએ. અમે આજે મેયર સમક્ષ માંગણી કરી કે સુરતમાં લોકોને નુકસાન થયું ત્યારે સુરતના લોકોને વળતર મળ્યું હતું. જો કે એ વળતર યોગ્ય ન હતું. આજે અમે અમદાવાદના લોકો માટે માંગ કરીએ છીએ કે જે નાના વેપારીઓ છે અથવા તો જેમના ઘરમાં પાણી ઘૂસી ગયું છે અને આ રીતે લાખો અને કરોડોનું જે લોકોને નુકસાન થયું છે એ તમામનો સર્વે કરવામાં આવે અને એ તમામ લોકોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને સાથે સાથે સુરતની જેમ અમદાવાદના લોકોને પણ ટેક્સમાં રાહત આપવામાં આવે. જો ભાજપ સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો અમે ફરીથી કોર્પોરેશનની ઓફિસમાં આવીશું અને લોકોને ન્યાય અપાવીને રહીશું.




