
અમદાવાદના આર.ટી.ઓ. સર્કલ ખાતે સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા સંચાલિત અતિ લોકપ્રિય ‘જેલ ભજિયા હાઉસ’નો કાયાકલ્પ થઈ ગયો છે. ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ તરફ જતા માર્ગ પર સ્થિત આ ઐતિહાસિક ફૂડ આઉટલેટને અઢી કરોડથી વધુના ખર્ચે ત્રણ માળનું નવું ભવન બનાવી નયનરમ્ય ‘હેરિટેજ લૂક’ આપવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ રાજ્યના જેલ ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થવાના આરે છે.
આ નવપ્રકલ્પનો મુખ્ય હેતુ કેદીઓમાં રહેલા કૌશલ્યને પ્રોત્સાહન આપી સમાજમાં તેમના સુધારણા અને પુનર્વસન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો છે.
જેલ ભજીયા હાઉસના આ ત્રણ માળના અદ્યતન ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પરંપરાગત સ્વાદિષ્ટ ભજિયા અને અન્ય ફરસાણના વેચાણ માટે કાઉન્ટર/સેલરૂમ બનશે તેમજ મુલાકાતીઓ ગરમા-ગરમ ભજિયાનો આનંદ માણી શકે તે માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.
ભવનના પ્રથમ માળે ડાઇનિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં જેલના કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વિશેષ ‘ગાંધી થાળી’ સાત્વિક ભોજન પીરસવામાં આવશે, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહેશે.
ભવનના બીજા માળે સ્વાતંત્ર્ય સેનાનીઓએ સાબરમતી જેલમાં વિતાવેલા ઐતિહાસિક સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આઝાદીના આંદોલન સમયે સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદ રહેલા પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી અને લોકમાન્ય તિલક જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ જેલમાં વિતાવેલા સમય અને સ્મૃતિઓને જીવંત કરતી ફોટો ગેલેરી તેમજ આકર્ષક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે.
નવનિર્મિત ભવનમાં ગ્રાહકો માટે ‘જેલર અને કેદી’ની યુનિક થીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં જેલ પ્રશાસનના વાતાવરણ વચ્ચે મુલાકાતીઓ ભોજન અને ઇતિહાસ બંનેનો અનોખો અનુભવ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ફૂડ કલ્ચરનો અભિન્ન અંગ બની ચૂકેલા ‘જેલ ભજિયા હાઉસ’નું ટર્નઓવર પણ નોંધપાત્ર રહ્યું છે.




