
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મીડિયાના માધ્યમથી કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા E20 પેટ્રોલનો સખત વિરોધ દર્શાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પેટ્રોલમાં 80 ટકા સામાન્ય પેટ્રોલ અને 20 ટકા ઇથેનોલનું મિશ્રણ ભારતના નાગરિકો પર બળજબરીપૂર્વક થોપી દેવામાં આવ્યું છે. મધ્યમ વર્ગના લોકોએ મહેનતની કમાણીથી ખરીદેલી ગાડીઓમાં ઇથેનોલના કારણે એન્જિન ખરાબ થઈ રહ્યા છે અને વાહનોનું આયુષ્ય ઘટી રહ્યું છે, જે બાબત વાહન ઉત્પાદકો પણ સ્વીકારે છે. જો સરકારે E20 અમલી બનાવવું જ હતું તો જૂના વાહનોને ધ્યાનમાં રાખીને 10 થી 15 વર્ષનો સમય આપવાની જરૂર હતી. તેમણે જણાવ્યુ હતુ કે ખેડૂતોને ફાયદો, પ્રદૂષણ મુક્તિ અને તેલ આયાતમાં આત્મ નિર્ભરતાના બહાના હેઠળ 20 ટકા ઇથેનોલ ભેળવવા છતાં પેટ્રોલના ભાવ ઘટાડવામાં આવ્યા નથી અને ઊલટાનું સામાન્ય જનતાને લૂંટવામાં આવી રહી છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ અને દેશપ્રેમીઓની આખી ટીમ દ્વારા E20 નો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. સરકારે E20 ને આગામી પાંચ-દસ વર્ષ માટે મરજિયાત કરવું જોઈએ અથવા પેટ્રોલ સસ્તું કરવું જોઈએ. આ નીતિના વિરોધમાં આગામી 1 ઓગસ્ટે બપોરે 12 વાગે નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ખાતે રાષ્ટ્રીય ટાઉન હોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓફલાઇન અને ઓનલાઇન લિંક દ્વારા લાખો લોકો જોડાવાના છે. ભવિષ્યની સુરક્ષા અને જનતાના હિત માટે ગુજરાતના તમામ નાગરિકોને લિંક મારફતે ઓનલાઇન જોડાઈને પોતાનો મત રજૂ કરવા અને આ દેશવ્યાપી આંદોલનમાં સહભાગી થવા માટે તેમણે ખાસ અપીલ કરી છે.




