
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આજે સંપૂર્ણ ભારતમાં ઈતિહાસ રચાયો છે. અરવિંદ કેજરીવાલજીએ પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ વાપરવાની અને થોપવાની મોદી સરકાર તથા ભાજપ સરકારની જે કોશિશ છે, તેના વિરોધમાં દિલ્લીમાં નેશનલ ટાઉન હોલનું આયોજન કર્યું હતું. તેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને જોડાવાની અપીલ કરી હતી, જેને લગભગ ૭ લાખથી વધુ લોકો લાઈવ જોઈ રહ્યા હતા. મને લાગે છે કે આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આના પરથી સરકારે સમજવું જોઈએ કે મધ્યમ વર્ગે માંડ કરીને ફોર-વ્હીલ કે અન્ય ગાડીઓ લીધી હોય અને તમે અમેરિકા પાસેથી ઈથેનોલ ખરીદવાના દબાણમાં આવીને દેશની ૧૪૦ કરોડની જનતા પર આ નિયમ ના થોપો.
’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે આ અમારી ગાડીઓ બરબાદ કરવાનું અને મધ્યમ વર્ગને મોંઘવારીમાં ધકેલવાનું બહુ મોટું ષડયંત્ર છે. ૨૦ ટકા ઈથેનોલ ઉમેરીને અને પેટ્રોલનો ભાવ એટલો ને એટલો જ રાખીને તમે જે લૂંટ ચલાવી છે, તે હવે આ દેશનો યુવા, નાગરિક અને મધ્યમ વર્ગ નહીં ચલાવી લે, આ ટાઉન હોલ તેની સાબિતી છે. દોસ્તો તમે વિચાર કરો, ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકાર નારો લગાવતી હતી કે ‘બહુત હુઈ મહંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર’, ‘બહુત હુઈ પેટ્રોલ ડીઝલ કી માર, અબ કી બાર મોદી સરકાર’. અત્યારે પેટ્રોલ ૧૦૦ રૂપિયા છે અને તેમાં ૨૦ ટકા ઈથેનોલ એટલે કે શેરડીનો રસ છે! આ ગજબ છે. એટલે આ મામલામાં હું તમામ ગુજરાતવાસીઓને અપીલ કરું છું કે તમે પણ વીડિયો બનાવીને પોસ્ટ કરો અને વધુમાં વધુ લોકો ઘરેથી જ આ અન્યાય સામે અવાજ ઉઠાવો.




