
vરક્ષામંત્રીએ સફળ કાર્યકાળ માટે પાઠવી શુભેચ્છાઓ રાજનાથ સિંહે નવા વાયુસેના પ્રમુખ આશુતોષ દીક્ષિત સાથે કરી મુલાકાત નવનિયુક્ત વાયુસેના પ્રમુખ એક ઉત્કૃષ્ટ વાયુ યોદ્ધા છે અને તેમના શાનદાર નેતૃત્વ માટે જાણીતા છે : રક્ષામંત્રી
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે સોમવારે ભારતીય વાયુસેનાના નવનિયુક્ત પ્રમુખ એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રક્ષામંત્રીએ તેમને નવી જવાબદારી અને આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આશુતોષ દીક્ષિતે તાજેતરમાં ભારતીય વાયુસેનાના ૨૯મા ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુલાકાતની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, નવનિયુક્ત વાયુસેના પ્રમુખ એક ઉત્કૃષ્ટ વાયુ યોદ્ધા છે અને તેમના શાનદાર નેતૃત્વ માટે જાણીતા છે. તેમણે આશુતોષ દીક્ષિતના સફળ કાર્યકાળની કામના પણ કરી હતી.
નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી આશુતોષ દીક્ષિત ૬ ડિસેમ્બર, ૧૯૮૬ના રોજ ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં જાેડાયા હતા. લગભગ ચાર દાયકાની કારકિર્દી દરમિયાન તેમણે ઓપરેશનલ કામગીરી, ફ્લાઇટ ટેસ્ટિંગ, સંરક્ષણ ક્ષમતાના વિકાસ અને સંયુક્ત સૈન્ય કામગીરી જેવા વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.
તેઓ અનુભવી ફાઇટર પાઇલટ હોવાની સાથે લાયકાત ધરાવતા ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાઇલટ પણ છે. તેમની પાસે મિરાજ-૨૦૦૦, મિગ શ્રેણીનાં વિવિધ વિમાનો, જગુઆર અને ટ્રાન્સપોર્ટ વિમાનો સહિતનાં અનેક વિમાનો ઉડાવવાનો ૩,૩૦૦ કલાકથી વધુનો અનુભવ છે.
આશુતોષ દીક્ષિતે ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા અને આધુનિકીકરણને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જગુઆર અને મિગ-૨૭ વિમાનોના અપગ્રેડ પ્રોજેક્ટ ઉપરાંત સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ માટે ઇનિશિયલ ઓપરેશનલ ક્લિયરન્સ (IOC) અને ફાઇનલ ઓપરેશનલ ક્લિયરન્સ (FOC)ની પ્રક્રિયામાં પણ તેમનું યોગદાન રહ્યું છે.
તેમણે મિરાજ-૨૦૦૦ સ્ક્વોડ્રન, ફોરવર્ડ બેઝ સપોર્ટ યુનિટ અને એરફોર્સ સ્ટેશન બીદર સહિતની મહત્ત્વપૂર્ણ ઓપરેશનલ કમાન્ડની જવાબદારીઓ સંભાળી છે. આ ઉપરાંત સાઉથર્ન એર કમાન્ડમાં એર ડિફેન્સ કમાન્ડર, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડમાં સિનિયર એર સ્ટાફ ઓફિસર અને ડેપ્યુટી ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે પણ સેવા આપી છે. તેઓ સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ પણ રહી ચૂક્યા છે.
વાયુસેના પ્રમુખ તરીકેની નવી જવાબદારી સંભાળ્યા બાદ આશુતોષ દીક્ષિતે ભારતીય વાયુસેનાની ભવિષ્યની પ્રાથમિકતાઓ અંગે પણ સ્પષ્ટતા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના સંપૂર્ણપણે સતર્ક રહેશે અને બદલાતી સુરક્ષા જરૂરિયાતોને અનુરૂપ પોતાને સતત આધુનિક બનાવતી રહેશે.
તેમણે વાયુસેનાની લડાયક ક્ષમતાને નિર્ધારિત સ્તર સુધી પહોંચાડવાને પોતાની મુખ્ય પ્રાથમિકતાઓમાં સ્થાન આપ્યું છે. દેશની સુરક્ષા માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે વાયુસેના સંપૂર્ણ તૈયારી સાથે જવાબ આપવા સક્ષમ રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.




