
હાથ જાેડીને માફી માગી ભગવાન શ્રીકૃષ્ણ અંગેની ટિપ્પણીથી વિવાદમાં ઘેરાયા ધીરેન્દ્ર શાસ્ત્રી શ્રીરામ અને શ્રીકૃષ્ણની તુલના કરતાં કરેલી ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ; ભૂલ સ્વીકારી બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં સપડાયા છે. એક કથાના કાર્યક્રમ દરમિયાન ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની તુલના કરતાં તેમણે કરેલી ટિપ્પણીઓથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. શ્રીકૃષ્ણના ભક્તો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવતાં આખરે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કેમેરા સામે હાથ જાેડીને માફી માગી હતી અને પોતાનાથી ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું. કથાના મંચ પરથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણના નામ તથા સ્વરૂપની તુલના કરતાં કહ્યું હતું કે શ્રીરામનું નામ સીધું છે, જ્યારે શ્રીકૃષ્ણનું નામ વાંકું છે. તેવી જ રીતે અયોધ્યાનું નામ સરળ છે, જ્યારે વૃંદાવનનું નામ અટપટું છે. આ ઉપરાંત તેમણે વાંસળી વગાડવા અને ધનુષ્ય ચલાવવા અંગે પણ ટિપ્પણી કરી હતી.
તેમના આ નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શ્રીકૃષ્ણના ભક્તો અને અન્ય લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. અનેક લોકોએ ધાર્મિક આસ્થાને લગતી આવી ટિપ્પણી સામે સવાલો ઉઠાવ્યા હતા.
વિવાદ વધતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ક્યારેક વિનોદ કે ભક્તિભાવમાં બોલતી વખતે શબ્દોની પસંદગીમાં ભૂલ થઈ જાય છે. તેમણે સ્વીકાર્યું હતું કે શ્રીકૃષ્ણને વાંકા અને શ્રીરામને સીધા ગણાવતી વાત તેમણે ન કરવી જાેઈતી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ ત્રિભંગી સ્વરૂપમાં છે અને તેમણે આ વાત ભક્તિભાવમાં કહી હતી. તેમનો આશય કોઈ ભગવાનનું અપમાન કરવાનો નહોતો. શ્રીકૃષ્ણ પ્રત્યે પોતાને ખૂબ જ શ્રદ્ધા અને પ્રેમ હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે તેઓ પોતે પણ ઠાકુરજીના પરમ ભક્ત છે.
પોતાની વાત સમજાવવા માટે ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહાકવિ સૂરદાસનાં પદો અને ગોપીઓના પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભક્તિ સાહિત્યમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમ અને નિકટતાના ભાવથી વિનોદ કરવામાં આવ્યો છે. ગોપીઓ પણ કૃષ્ણ સાથે પ્રેમભરી મજાક કરતી હતી. તેમના મતે આ પ્રકારની વાતોને ભક્તિભાવના સંદર્ભમાં સમજવી જાેઈએ.
આ સમગ્ર વિવાદ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પર થતા વિરોધ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક લોકો પ્રસિદ્ધિ મેળવવા માટે તેમના નિવેદનોનો વિરોધ કરે છે. જાેકે, સાથે જ તેમણે પોતાના નિવેદનમાં શબ્દોની પસંદગી ખોટી હોવાનું સ્વીકારી લીધું હતું. આમ, ભગવાન શ્રીકૃષ્ણ અંગેની ટિપ્પણીથી શરૂ થયેલો વિવાદ ધીરેન્દ્ર શાસ્ત્રીની સ્પષ્ટતા અને માફી બાદ ફરી ચર્ચાનો વિષય બન્યો છે.




