
આમ આદમી પાર્ટી દ્વારા 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના વિવિધ ફ્રન્ટલ સંગઠનોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં યોજાઈ હતી. આ બેઠકમાં ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ અધ્યક્ષ અને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયા, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ પ્રમુખ યોગેશ જાદવાણી, લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર તથા છાત્ર વિંગના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકીયા સહિત વિવિધ ફ્રન્ટલ સંગઠનોના પ્રદેશ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તમામ ફ્રન્ટલ સંગઠનોને વિધાનસભા સ્તરથી લઈને બૂથ સ્તર સુધી સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને દિશા-નિર્દેશ આપ્યા હતા. સંગઠન વિસ્તાર, નવા કાર્યકરોને જોડવા, લોકો સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડવા અને વિવિધ વર્ગો વચ્ચે પાર્ટીની હાજરી મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મહિલા વિંગ, કિસાન મોરચા, યુવા વિંગ, સોશિયલ મીડિયા વિંગ, છાત્ર વિંગ અને લીગલ વિંગના પ્રદેશ પ્રમુખો તેમજ પદાધિકારીઓએ પોતાના સંગઠનની આગામી યોજના રજૂ કરી હતી અને સંગઠનને વધુ સક્રિય બનાવવાના આયોજન અંગે ચર્ચા કરી હતી. બેઠકના અંતે તમામ ફ્રન્ટલ સંગઠનોએ એકમતથી સંકલ્પ વ્યક્ત કર્યો કે તેઓ બૂથ સ્તર સુધી સંગઠનને વધુ મજબૂત બનાવીને દરેક ગામ, શહેર અને વોર્ડ સુધી આમ આદમી પાર્ટીની પહોંચ વધારશે તથા 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક કામગીરીને વધુ ગતિ આપશે.




