
બાગેશ્વર બાબાના નિવેદનથી દેશભરમાં વિવાદ ભગવાન રામ અને શ્રીકૃષ્ણ અંગેની ટિપ્પણીથી રાજકીય ગરમાવો પપ્પુ યાદવ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા, તેજસ્વી, મહુઆ મોઇત્રા અને ભૂપેશ બઘેલે પણ સાધ્યું નિશાન બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વર બાબાના એક નિવેદનને લઈને દેશભરમાં રાજકીય અને ધાર્મિક વિવાદ ઊભો થયો છે. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં યોજાયેલી શ્રીરામ કથા દરમિયાન ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ અંગે કરવામાં આવેલી ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને સંત સમાજે વિરોધ નોંધાવ્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તો બાગેશ્વર બાબાના કાર્યક્રમો પર આજીવન પ્રતિબંધ મૂકવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ૨૯ ઓક્ટોબરે મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કરેરામાં યોજાયેલી શ્રીરામ કથા દરમિયાન થઈ હતી. કથા દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની સરખામણી કરતાં કહ્યું હતું કે અયોધ્યા અને ભગવાન શ્રીરામ સીધા છે, જ્યારે વૃંદાવન અને ભગવાન શ્રીકૃષ્ણ વાંકા છે. આ સાથે તેમણે વાંસળી વગાડવા અને ધનુષ ચલાવવાના સંદર્ભમાં પણ સરખામણી કરી હતી.
આ નિવેદનનો વીડિયો વાયરલ થતાં બ્રજ વિસ્તારના સંતો અને યાદવ સમાજના કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. વિરોધ કરનારાઓનું કહેવું છે કે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ બંને સનાતન પરંપરામાં પૂજનીય છે અને તેમની વચ્ચે આવી સરખામણી કરવાથી ધાર્મિક લાગણીઓ દુભાઈ શકે છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ નિવેદન સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે માનવીય ભૂલો માટે માફી આપી શકાય, પરંતુ ઈશ્વરની નિંદા માટે નહીં.
અખિલેશે માગ કરી છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવે, ભવિષ્યમાં નવા કાર્યક્રમોની મંજૂરી ન આપવામાં આવે અને તેમના જાહેર કાર્યક્રમો પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવે. તેમણે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.
અખિલેશના મતે, પૂજનીય અવતારો વચ્ચે નકારાત્મક સરખામણી કરીને સમાજમાં વિભાજન ઊભું કરવાનો પ્રયાસ યોગ્ય નથી. તેમણે આ સમગ્ર મામલે ઊંડી તપાસ કરવાની પણ માગ કરી છે.
સાંસદ પપ્પુ યાદવે પણ બાગેશ્વર બાબાના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો છે. તેઓ આ મામલે ફરિયાદ નોંધાવવા માટે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કોઈ પણ સંજાેગોમાં સહન કરવામાં આવશે નહીં. તેમણે સવાલ ઉઠાવ્યો કે સત્તાનું સમર્થન ધરાવતા કથાકાર સામે પણ કાયદો સમાન રીતે લાગુ પડવો જાેઈએ.
આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણીની ટીકા કરી હતી. તેમણે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણને એકબીજાના પૂરક ગણાવતાં કહ્યું કે પહેલાં આ લોકો માણસોમાં ભાગલા પાડતા હતા અને હવે ભગવાનને પણ વહેંચવા લાગ્યા છે.
તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ ભાજપની ચુપકીદી પર સવાલ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કટાક્ષ કરતાં પૂછ્યું હતું કે હિંદુ ધર્મના ઠેકેદારો હવે ક્યાં છે?
બાગેશ્વર બાબાના નિવેદન બાદ બ્રજ વિસ્તારના સંતો અને યાદવ સમાજના કેટલાક સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક સ્થળોએ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં અને પૂતળાંનું દહન પણ કરાયું હતું. આ રીતે ધાર્મિક મુદ્દો હવે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
વિવાદ વધતાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વીડિયો જાહેર કરીને પોતાની ટિપ્પણી અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે ભેદ ઊભો કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો. તેમણે પોતાની વાતને ભાવના અને વિનોદના સંદર્ભમાં રજૂ કરી હોવાનું જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે લોકો આખો વીડિયો જાેયા વિના તેના એક ભાગના આધારે અર્થઘટન કરી રહ્યા છે. તેમ છતાં, તેમની વાતથી કોઈની ધાર્મિક લાગણી દુભાઈ હોય તો તેમણે માફી માગી હતી.
જાેકે, માફી બાદ પણ રાજકીય વિરોધ અને આજીવન પ્રતિબંધની માગને કારણે વિવાદ શાંત થયો નથી. હવે આ મામલે પોલીસ ફરિયાદ અને આગળની કાયદેસરની કાર્યવાહી શું વળાંક લે છે તેના પર સૌની નજર રહેશે.
આ વિવાદે ફરી એકવાર ધાર્મિક પ્રવચનોમાં જાહેર નિવેદનોની જવાબદારી અને રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ અંગે ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર વીડિયોનો એક ભાગ ઝડપથી વાયરલ થતો હોવાથી નિવેદનના સંપૂર્ણ સંદર્ભને સમજવો પણ એટલો જ જરૂરી છે. આગામી દિવસોમાં બાગેશ્વર બાબા તરફથી વધુ સ્પષ્ટતા અથવા પોલીસ કાર્યવાહી થાય છે કે નહીં તે આ વિવાદની દિશા નક્કી કરશે.




