
પેટ્રોલ-ડીઝલ અને જેટ ફ્યુઅલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધ્યો નિકાસ શુલ્કમાં વધારો; સરકારનો હેતુ સ્થાનિક પુરવઠો જાળવવાનો અને રિફાઇનરીઓના વધારાના નફા પર અંકુશ મેળવવાનો કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ (ATF)ની નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. નાણા મંત્રાલયના નવા નોટિફિકેશન મુજબ, પેટ્રોલ પર પ્રતિ લિટર ૧, ડીઝલ પર ૧૦ અને જેટ ફ્યુઅલ પર ૭.૫નો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધતી અસ્થિરતા અને ભૂરાજકીય તણાવ વચ્ચે સરકારે આ ર્નિણય લીધો છે.
નવી વ્યવસ્થા મુજબ પેટ્રોલ પર નિકાસ શુલ્ક ૨.૫થી વધીને ૩.૫ પ્રતિ લિટર, ડીઝલ પર ૧૫.૫થી વધીને ૨૫.૫ પ્રતિ લિટર અને જેટ ફ્યુઅલ પર ૧૪.૫થી વધીને ૨૨ પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ ટેક્સ માત્ર નિકાસ માટે લાગુ પડે છે અને દેશની અંદર વેચાતા ઇંધણના ભાવ પર સીધી અસર કરતો નથી.
સામાન્ય ગ્રાહકો માટે હાલ પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં તાત્કાલિક કોઈ વધારો થવાની શક્યતા નથી, કારણ કે આ ડ્યુટી રિફાઇનરીઓ દ્વારા વિદેશમાં નિકાસ થતા ઉત્પાદનો પર લાગુ કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ્ય સ્થાનિક બજારમાં ઇંધણનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો અને નિકાસમાંથી મળતા વધારાના નફાને નિયંત્રિત કરવાનો છે.
કેન્દ્ર સરકાર વૈશ્વિક ક્રૂડના ભાવ, સ્થાનિક ઉપલબ્ધતા અને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને દર ૧૫ દિવસે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરે છે. નવા દરો લાગુ થતાં ભારતીય રિફાઇનરીઓ માટે નિકાસ ખર્ચ વધશે, જ્યારે દેશના ઇંધણ પુરવઠાને વધુ સ્થિર રાખવામાં મદદ મળશે.




