
E20 અંગે સિંગરે સવાલ ઊઠાવ્યા ‘હું તો રૂ.૫૦૦નું પણ ભરાવી લઈશ પણ સામાન્ય લોકોનું શું’ આ પહેલાં ૨૩ જુલાઈએ પણ રેશમ સિંહે એક વીડિયો શેર કરીને E20 ઓઇલ પર સવાલો ઉઠાવ્યા હતા પંજાબી સિંગર રેશમ સિંહ અનમોલ તાજેતરમાં E20 (ઈથેનોલ મિશ્રિત) પેટ્રોલ મુદ્દે ફરી ચર્ચામાં છે. અગાઉ તેણે આક્ષેપ કર્યાે હતો કે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે તેની લક્ઝરી ડિફેન્ડર SUV કાર ચાલુ રસ્તે બંધ પડી ગઈ હતી. હવે તેના એક નવા વાઇરલ વીડિયોમાં તે સરકાર પાસે પ્યોર એટલે કે પ્રીમિયમ ઓઇલના ભાવ ઘટાડવાની માંગ કરે છે. તેનું માનવું છે કે મોંઘા પ્રીમિયમ પેટ્રોલની કિંમતો સામાન્ય વાહનચાલકોના ખિસ્સા પર ભારે પડે છે, તેથી સરકારે તેના ભાવ વાજબી કરવા જાેઈએ જેથી સામાન્ય માણસ પણ સરળતાથી પ્યોર પેટ્રોલ ભરાવી શકે.હરિયાણાના રહેવાસી રેશમ સિંહ અનમોલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં તે એક પેટ્રોલ પંપ પર પહોંચે છે અને કર્મચારી પાસે ‘XP100’ પ્રીમિયમ ઓઇલ માંગે છે. પોતાની ડિફેન્ડર SUV ૧૩,૦૦૦નું ‘XP100’ પ્રીમિયમ ઓઇલ ભરાવ્યા બાદ રેશમ સિંહે કહ્યું, ‘ભગવાનનો આભાર કે પ્રીમિયમ પેટ્રોલ મળી ગયું. મને સતત લોકોના મેસેજ આવી રહ્યા છે કે E20 ઓઇલના કારણે ગાડીઓનું માઇલેજ ઘટી રહ્યું છે. XP100 ખૂબ જ મુશ્કેલીથી મળી રહ્યું છે જેની કિંમત ૧૬૭ પ્રતિ લીટર છે. હું તો ૫૦૦ પ્રતિ લીટર પણ ભરાવી શકું છું, પરંતુ એક સામાન્ય માણસનું શું? હું સરકારને અપીલ કરું છું કે પ્યોર ઓઇલની કિંમત ઓછી કરવામાં આવે અને દરેક પેટ્રોલ પંપ પર તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાય.’આ પહેલાં ૨૩ જુલાઈએ પણ રેશમ સિંહે એક વીડિયો શેર કરીને E20 ઓઇલ પર સવાલો ઉઠાવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે ‘મારી ડિફેન્ડર SUV અચાનક રસ્તામાં બંધ પડી ગઈ હતી અને સર્વિસ સ્ટેશને તપાસ કરાવતાં કારનો ફ્યુઅલ પંપ ખરાબ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું, જેની પાછળ સાધારણ E20 ઓઇલને જવાબદાર છે.’ત્યારબાદ ૨૮ જુલાઈએ બીજાે વીડિયો રજૂ કરીને તેમણે દાવો કર્યાે હતો કે, ‘E20 ફ્યુઅલ વિશે અવાજ ઉઠાવવા બદલ મને ધમકીઓ મળી રહી છે અને કેટલાક લોકો મારા પર પ્રોપેગેન્ડા ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે.’ જાેકે, તેમણે પોતાની ગાડીના રિપેરિંગનું બિલ બતાવીને તમામ આરોપો ફગાવી દીધા હતા.હાલમાં દેશભરમાં E20 ઓઇલને લઈને વાહનચાલકોમાં ભારે અસંતોષ જાેવા મળી રહ્યો છે. મોટાભાગના લોકોની ફરિયાદ છે કે ઈથેનોલ મિશ્રિત ઓઇલના ઉપયોગ બાદ તેમના વાહનોનું માઇલેજ ઘટ્યું છે અને મેન્ટેનન્સનો ખર્ચ વધી ગયો છે. સરકારે પણ સંસદમાં સ્વીકાર્યું હતું કે જૂના વાહનોના માઇલેજમાં આશરે ૬% સુધીનો ઘટાડો આવી શકે છે અને તેના કારણે વાહનોના રબર પાર્ટ્સ પણ ખરાબ થઈ શકે છે




