
કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ CEC જ્ઞાનેશ કુમારનું ૪૮ કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન અભિજીત દિપકેએ જણાવ્યું હતું કે, કુલ ૧૩ કરોડથી વધુ મત હટાવવામાં આવ્યા હતા : આ કોઈ નાની સંખ્યા નથી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકેએ ૪૮ કલાકની અંદર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. દિપકેએ ચૂંટણી પંચને અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે જાે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ૪૮ કલાકની અંદર રાજીનામું નહીં આપે તો દિલ્હી સહિત દેશવ્યાપી વિરોધ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું, “જ્યાં સુધી રાજીનામું સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ઉભા નથી થઈએ. ”
કોકરોચ જનતા પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું, “ચૂંટણી પંચ અંગે ગઈકાલે બહાર પાડવામાં આવેલા અહેવાલથી સાબિત થાય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દેશના સૌથી મોટા દેશદ્રોહી છે. તેઓ દેશના સૌથી મોટા રાષ્ટ્રવિરોધી છે અને તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જાેઈએ. તેઓ ભારતીય લોકશાહી માટે સૌથી મોટો ખતરો છે.” અભિજીત દિપકેએ જણાવ્યું હતું કે, કુલ ૧૩ કરોડથી વધુ મત હટાવવામાં આવ્યા હતા. આ કોઈ નાની સંખ્યા નથી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષ અને શાસક પક્ષ (NDA) વચ્ચેનો તફાવત ફક્ત ૨% હતો. ૧૩ કરોડ મતો કાઢી નાખવા એ કુલ મતોના આશરે ૧૩ % થી ૧૪ % મતો કાઢી નાખવા બરાબર છે. શું જ્ઞાનેશ કુમાર જાણી જાેઈને આ ૨ % ના અંતરને વધારવા માટે કરી રહ્યા છે જેથી તેઓ ક્યારેય સત્તા ગુમાવે નહીં? આવું શા માટે કરવામાં આવી રહ્યું છે? આટલા બધા મતો કાઢી નાખવાની જરૂર કેમ પડી?…”
અભિજીત દીપકેએ સરકાર પર નિશાન સાધ્યું તેમણે કહ્યું કે ભાજપ ૨૦૨૪ની ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયું. જ્યારે તેઓ બહુમતીથી પાછળ રહી ગયા ત્યારે ગભરાટ ફેલાઈ ગયો. ત્યારે તેમને સમજાયું કે દેશનો મૂડ બદલાઈ રહ્યો છે અને પ્રાદેશિક દળો મજબૂત રીતે ઉભરી રહ્યા છે પછી ભલે તે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે હોય, એનસીપી હોય, સ્ટાલિન હોય, પિનરાઈ વિજયન હોય, અરવિંદ કેજરીવાલ હોય કે મમતા બેનર્જી હોય. આ મુખ્યમંત્રીઓને એક પછી એક નિશાન બનાવવામાં આવ્યા અને હરાવવામાં આવ્યા. આ માત્ર સંયોગ ન હોઈ શકે. આ પાછળ એક સ્પષ્ટ પેટર્ન છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મતવિસ્તારમાંથી ૫૦,૦૦૦ મતો દૂર કરવામાં આવ્યા અને તેઓ લગભગ ૧૫,૦૦૦ મતોના માર્જિનથી હારી ગયા. એમ.કે. સ્ટાલિનના મતવિસ્તારમાંથી ૧૦૦,૦૦૦ મતો દૂર કરવામાં આવ્યા અને તેઓ લગભગ ૪૫,૦૦૦ મતોથી હારી ગયા. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના મતવિસ્તારમાંથી ૪૦,૦૦૦ મતો દૂર કરવામાં આવ્યા અને તેઓ ૪,૦૦૦-૫,૦૦૦ મતોથી હારી ગયા. પિનરાઈ વિજયન જીતી શક્યા હોત પણ કેરળમાં મતદાન રદ થવાને કારણે તેઓ મુખ્યમંત્રી ન બની શક્યા. શું આ પગલું ફક્ત મજબૂત વિપક્ષી નેતાઓને દૂર કરવા માટે હતું? હવે, આપણને વિપક્ષ કે કોઈ ચોક્કસ પક્ષ પ્રત્યે કોઈ ખાસ લગાવ નથી, પરંતુ લોકશાહીમાં જાે તમે સમગ્ર વિપક્ષને દૂર કરો છો તો શું તેને લોકશાહી કહી શકાય? શું તે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી છે?




