
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ઘ્વારા) સુરત.
ભારત ની સંસદ માં ગયા મહિને રજૂ કરાયેલા ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG) ના અહેવાલમાં સેંકડો રેલ્વે સ્ટેશનો પર પીવાના પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓના અભાવ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
પીવાના પાણીમાં આરોગ્યને નુકશાન પહોંચાડી શકે તેવા બેક્ટેરિયાની હાજરી પણ નોંધાઈ હતી. અહેવાલમાં જણાવાયું છે કે ૮૯ ટકા સ્ટેશનો માં પૂરતી બેઠક વ્યવસ્થા, પંખા, સાઈનેજ અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. CAG રિપોર્ટને સમર્થન આપતાં, જાહેર હિસાબ સમિતિ (PAC) એ પણ શોધી કાઢયુ કે ઘણા સ્ટેશનોમાં પીવાનું પાણી, પંખા અને આરામદાયક બેઠક વ્યવસ્થા સહિત પૂરતી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.
ભારતીય રેલ્વે વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે. પરંતુ સુવિધાઓની વાત કરીએ તો આપણે ક્યાં છીએ? પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે મુસાફરો ઉતર્યા પછી સ્ટેશન પર ભટકતા જોવા મળે છે. વિક્રેતાઓ બોટલ બંધ પાણી વેચવા માટે પીવાના પાણીની વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ઉપરાંત ટ્રેનનાં જનરલ ડબ્બામાં ઘેટાં-બકરાંની જેમ ભરેલા મુસાફરો તેમની મુસાફરી કેવી રીતે પૂર્ણ કરી શકે છે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. ટ્રેનની અંદરના શૌચાલયોની ખરાબ સ્થિતિ જોઈને, મુસાફરો અનિચ્છાએ તેનો ઉપયોગ કરે છે. રેલ્વેની દેખરેખ વ્યવસ્થા ચોક્કસપણે ઢીલી છે. એવું લાગે છે કે કોઈને જવાબદાર ઠેરવવામાં આવતા નથી. બધે ફેલાયેલો કચરો આનો પુરાવો આપે છે.છેલ્લાં કેટલાક વર્ષોમાં રેલ્વે અકસ્માતો વધ્યા છે પહેલા કરતાં થોડા ઘટ્યા છે. જોકે, મૂડીખર્ચ વધ્યા પછી પણ ઓપરેટિંગ કાર્યક્ષમતામાં સુધારો થયો નથી. આમ રેલ્વે આડે પાટે છે એમ કહેવું ખોટું તો નથી જ.




