
એરપોર્ટ પર લાંબી કતારોમાંથી મુક્તિ બોર્ડિંગ પાસ પર સિક્કા મારવાની પ્રથા નાબૂદ કરાઈ હવે મુસાફરો સ્માર્ટફોન પર ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ બતાવી ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે ભારતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પરથી વિદેશ પ્રવાસ કરનારા મુસાફરો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ઇમિગ્રેશન કાઉન્ટર પર પોતાના બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સિક્કો મરાવવાની જરૂર રહેશે નહીં.
ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ ઇમિગ્રેશને ર્નિણય લીધો છે કે આગામી પહેલી સપ્ટેમ્બર ૨૦૨૬થી દેશના તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પર બોર્ડિંગ પાસની ફિઝિકલ સ્ટેમ્પિંગ પ્રક્રિયા કાયમ માટે બંધ કરવામાં આવશે. હવે મુસાફરો પોતાના સ્માર્ટફોન પર ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ બતાવીને સરળતાથી ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે.
બોર્ડિંગ પાસ સ્ટેમ્પિંગ કેમ બંધ કરવામાં આવ્યું?
ઇમિગ્રેશન બ્યુરોને મુસાફરો તરફથી સતત ફરિયાદો મળી રહી હતી કે સ્ટેમ્પિંગ પ્રક્રિયાના કારણે સિસ્ટમમાં વિલંબ થાય છે.
દરેક બોર્ડિંગ પાસ પર મહોર લગાવવાને કારણે કાઉન્ટર પર મુસાફરોનો લાંબો સમય વેડફાતો હતો.
ઘણી વખત સિક્કો બરાબર ન લાગવો અથવા ખોટી જગ્યાએ લાગવાને કારણે આગળ જતાં બોર્ડિંગ ગેટ પર સુરક્ષા તપાસ દરમિયાન તેને વાંચવામાં ભારે મુશ્કેલી ઊભી થતી હતી.
૧ સપ્ટેમ્બરથી બદલાયેલી વ્યવસ્થાના મુખ્ય નિયમો
અમલીકરણ તારીખ: ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ થી
લાગુ ક્ષેત્ર: દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ
નવી સુવિધા: મોબાઇલ પર ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ માન્ય
પ્રિન્ટેડ પાસ ધારકો: પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ રાખી શકાશે, પરંતુ તેના પર સિક્કો નહીં લાગે
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જે મુસાફરો હજુ પણ પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ રાખવા માંગતા હોય તેઓ રાખી શકે છે. ફેરફાર માત્ર એટલો જ છે કે ઇમિગ્રેશન અધિકારીઓ હવે તે કાગળ પર કોઈ સિક્કો લગાવશે નહીં.
હવાઈ યાત્રાને સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ બનાવવા તરફ આ એક મોટું પગલું છે.
ભારતીય પાસપોર્ટ ધરાવતા પ્રવાસીઓ માટે દેશમાંથી બહાર નીકળતી વખતે અને પરત પ્રવેશતી વખતે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રક્રિયા પણ નાબૂદ કરવાની યોજના છે.
હાલમાં આ માટે ચોક્કસ એરપોર્ટ્સ પર સફળતાપૂર્વક પાયલટ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે.
પાયલટ પ્રોજેક્ટનું પરીક્ષણ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં પાસપોર્ટ પર સ્ટેમ્પિંગ વગરની ઈ-ગેટ સિસ્ટમ દેશભરના એરપોર્ટ્સ પર સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે.




