
ઉત્પાદન ઘટવા અને માંગ વધવાને કારણે ભાવ વધ્યા ખાંડનો ભાવ પ્રતિ કિલો ૭૦ રુપિયા, ઉત્પાદન ઘટયું હોવાનું કેન્દ્રની કબૂલાત ફૂડ સેક્રેટરી સંજીવ ચોપરાએ સંગ્રહખોરી રોકવા સ્ટોક મર્યાદા અને બલ્ક ખરીદદારો પર નિયંત્રણો મૂક્યા છે
દેશમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો ૭૦ રુપિયાએ પહોંચી જતા કેન્દ્રએ સ્પષ્ટતા કરી છે કે ચાલુ વર્ષમાં ખાંડનું ઉત્પાદન ઘટવાના લીધે આ સ્થિતિ સર્જાઈ છે. ખાંડનું ઉત્પાદન ૩૪૩ લાખ ટન થવાના અંદાજ સામે ૩૦૬ લાખ ટન જ થયું હતું, જાે કે સ્થાનિક માંગ ૨૮૦થી ૨૮૫ લાખ ટન જ હાય છે. તેની સાથે ઇથેનોલના ઉત્પાદન સાથે ખાંડના ભાવને કોઈ સંબંધ નથી તેમ સરકારે જણાવ્યું હતું.
ભારતમાં તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે અને તે જ સમયે ખાંડના ભાવમાં વધારો થવાના કારણે ટીકાકારોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
તેઓ એવો દાવો કરી રહ્યા છે કે સરકાર ખાંડનો પુરવઠો ઇથેનોલ તરફ વાળી રહી હોવાના કારણે ભાવ વધી રહ્યા છે. કેન્દ્રએ આ આરોપો ફગાવી દીધા છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે ૨૦૨૨-૨૩માં ઇથેનોલના ઉત્પાદનમાં ખાંડનો ફાળો ૧૨ ટકા હતો, જે ૨૦૨૫-૨૬માં ઘટીને નવ ટકા થયો છે, જે મુજબ આ હિસ્સેદારી ૪૦ લાખ ટનથી ઘટીને ૨૮ લાખ ટન થઈ છે. આમ ખાંડના કુલ ઉત્પાદનમાંથી માંડ દસમા ભાગનો હિસ્સો જ ઇથેનોલ પાછળ જાય છે.
સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ખાંડનું ઉત્પાદન ઓછું થતાં અને માંગમાં વધારો થતાં ખાંડના ભાવમાં આ વધારો થયો છે. ખાંડનો ભાવ ફક્ત ભારતમાં જ વધ્યો છે તેવું નથી. આખા વિશ્વમાં વધ્યો છે. ૨૦૨૬-૨૭માં કમસેકમ ૩૩ લાખ ટન ખાંડની ઘટ પડવાનું અનુમાન છે. ખાંડનો ભાવ ૩૦ જૂને પ્રતિ ટન ૪૭૪ ડોલર હતો, જે ૨૦ ઓગસ્ટે વધીને પ્રતિ ટન ૫૫૨ ડોલર થઈ ગયો. આમ બે મહિનામાં ખાંડનો ભાવ લગભગ ૧૬ ટકાથી વધુ વધ્યો છે.
ફૂડ સેક્રેટરી સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે સરકારનું સ્પષ્ટપણે માનવું છે કે કેટલીક ખાંડની મિલો અને કારોબારીઓની સંઘરાખોરીના કારણે ખાંડના ભાવ વધ્યા છે. તેને રોકવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. ખાંડના ડીલરો પર પહેલી ઓગસ્ટથી ૩૦ નવેમ્બર સુધી ૪૦૦ ટન સ્ટોકની મર્યાદા લાગુ કરવામાં આવી છે. પહેલી સપ્ટેમ્બરથી બલ્ક ખરીદદારો ૧૫ દિવસની ખપત કરતાં વધુ ખાંડ નહીં ખરીદી શકે. કેન્દ્ર અને રાજ્યની ટીમો ભેગા મળીને મિલોમાં સ્ટોક ચકાસી રહી છે. તેમનો હેતુ જમાખોરી અને કૃત્રિમ અછતને રોકવાનો છે.
સરકારે તહેવારોના સમયે ખાંડની કોઈપણ પ્રકારની અછત ટાળવા ૧૦ લાખ ટન ખાંડ આયાત કરવાની મંજૂરી પણ આપી દીધી છે. તેની સાથે ચીનની મિલોની નવી પીલાણ સીઝન ૧૫ દિવસ વહેલા શરૂ કરવા જણાવી દીધું છે, જેથી બજારમાં ખાંડનો પુરવઠો અવિરત ધોરણે જારી રહે. તેના લીધે ઓક્ટોબરમાં ખાંડનું ઉત્પાદન સામાન્ય કરતાં વધુ રહેવાની આશા છે. સરકારના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ઓક્ટોબરમાં ત્રણથી ચાર લાખ ટન ખાંડનું ઉત્પાદન થાય છે. આ વખતે તે દસ લાખ ટને પહોંચી શકે છે.




