
બ્રહ્મવૈવર્ત પુરાણાનુસાર ગણેશ પ્રાગટ્યની પૌરાણિક મહાકથા
સનાતન ધર્મમાં ભગવાન શ્રી ગણેશજીને વિઘ્નહર્તા,બુદ્ધિદાતા અને પ્રથમપૂજ્ય દેવ તરીકે ઉચ્ચ આસન પ્રાપ્ત છે.સામાન્ય રીતે લોકમાનસમાં ભગવાન શિવ દ્વારા પાર્વતીજીના શારીરિક મૃત્તિકા/ ઉબટનમાંથી બનેલા બાલ-ગણેશનું મસ્તક કાપવાની અને ત્યારબાદ હાથીનું મસ્તક જોડવાની શિવ પુરાણની કથા વધુ પ્રચલિત છે પરંતુ વેદ-પુરાણોના અગાધ સાગરમાં વિવિધ પુરાણોમાં વિવિધ ઘટનાઓનો ભિન્ન શાસ્ત્રીય સંદર્ભ મળે છે.
બ્રહ્મવૈવર્ત પુરાણ ગણપતિ ખંડ અધ્યાયઃ૧૧ થી ૧૩માં ગણેશજીના પ્રાગટ્ય,શનિદેવની ક્રૂર દ્રષ્ટિથી મસ્તકનું ગોલોક ગમન અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ દ્વારા ગજાનન સ્વરૂપ પ્રદાન કરવાની અત્યંત અલૌકિક,રહસ્યમય અને જ્ઞાનવર્ધક કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. માતા પાર્વતીનું પવિત્ર પુણ્યક વ્રત અને દિવ્ય બાળકનું પ્રાગટ્ય.. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર માતા પાર્વતીજીને પુત્રપ્રાપ્તિની તીવ્ર અભિલાષા હતી.ભગવાન શિવજીની આજ્ઞાથી માતા પાર્વતીએ ભગવાન શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરવા માટે એક વર્ષ સુધી અત્યંત કઠોર પુણ્યક વ્રત કર્યું.આ વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈને સ્વયં અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન શ્રીકૃષ્ણ/વિષ્ણુએ બાળકનું સ્વરૂપ ધારણ કર્યું અને કૈલાશ પર માતા પાર્વતીજીના ગર્ભમાં પ્રવેશ કર્યા વિના જ બાલ-સ્વરૂપે પ્રગટ થયા.બાલ ગણેશનું તેજ કોટિ સૂર્યો સમાન હતું, તેમનું સ્વરૂપ અત્યંત સુંદર, સર્વલક્ષણ સંપન્ન અને દર્શનીય હતું.જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના ઘરમાં આ દિવ્ય બાળકનો જન્મ થયો ત્યારે સમગ્ર ત્રિલોકમાં આનંદ છવાઈ ગયો.
કૈલાસ પર ઉત્સવ અને શનિદેવની પધરામણી..
બાલ-ગણેશના જન્મોત્સવના સમાચાર મળતાં જ બ્રહ્મા,વિષ્ણુ,ઇન્દ્ર,સૂર્ય,વાયુ,અગ્નિ,ગંધર્વ અને ઋષિમુનિઓ સહિત તમામ દેવી-દેવતાઓ કૈલાસ પર્વત પર આવ્યા હતા.તમામ દેવોએ બાળકને દિવ્ય ભેટ-સોગાદો અર્પણ કરી અને આશીર્વાદ આપ્યા. આ જ સમયે સૂર્યપુત્ર શનિદેવ પણ ગણેશજીના દર્શન કરવા કૈલાસ આવ્યા પરંતુ કૈલાશ ભવનમાં પ્રવેશ્યા બાદ શનિદેવે પોતાનું મસ્તક નીચું રાખીને હાથ જોડ્યા અને જમીન તરફ જોતાં જોતાં જ સંભાષણ કરવા લાગ્યા.તેઓ કોઈની પણ સામે કે બાલ ગણેશ સામે સીધી દ્રષ્ટિ કરતા નહોતા.
માતા પાર્વતીજીએ શનિદેવનું આ વિચિત્ર વર્તન જોયું એટલે તેમણે નમ્રતાપૂર્વક શનિદેવને પૂછ્યું કે હે શનિદેવ ! આપ આપની દ્રષ્ટિ નીચી રાખીને કેમ ઊભા છો? આપ કૈલાસના ઉત્સવમાં મારા સુંદર બાળકની સામે કેમ નથી જોતા? શું આપને કોઈ દ્રષ્ટિદોષ કે નેત્રની ખામી છે?
શનિદેવને પત્ની દ્વારા મળેલો અમોઘ શાપ..
માતા પાર્વતીના પ્રશ્નનો ઉત્તર આપતાં શનિદેવે અત્યંત ખેદ અને ગંભીરતાથી પોતાના ભૂતકાળની એક ગુપ્ત ઘટના જણાવતાં કહ્યું કે હે જગદંબા ! તમામ જીવો પોતાના પૂર્વસંચિત કર્મો અનુસાર જ સુખ- દુઃખ અને ફળ ભોગવે છે.હું આપને મારો પરમ ગોપનીય ઇતિહાસ જણાવું છું.હું બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણનો અનન્ય ભક્ત રહ્યો છું.મારૂં ચિત્ત સદા ભગવત્-ધ્યાનમાં જ લીન રહેતું હતું અને હું સંસારના ભૌતિક વિષયોથી વિરક્ત થઈ તપસ્યામાં રત રહેતો હતો. મારા પિતા સૂર્યદેવે મારો વિવાહ ચિત્રરથ નામના ગંધર્વની પુત્રી સાથે કરાવ્યો.મારી પત્ની અત્યંત સતી,સાધ્વી,તેજસ્વી અને કઠોર તપસ્વિની નારી હતી.એક દિવસ તે ઋતુસ્નાન કરીને પુત્રપ્રાપ્તિની ઈચ્છા સાથે મારી સમક્ષ આવી પરંતુ તે સમયે હું ભગવાન શ્રીહરિના પવિત્ર ચરણારવિંદના ધ્યાનમાં એટલો ઊંડો ડૂબેલો હતો કે મને બાહ્ય જગતનું કોઈ જ્ઞાન ન હતું. મેં મારી પત્ની તરફ જોયું પણ નહીં. પોતાનો ઋતુકાળ નિષ્ફળ જતાં અને મારો અનાદર થયો છે તેમ સમજીને મારી પત્ની ક્રોધિત થઈ ગઈ અને તેણે મને શાપ આપ્યો કે તમે જે પણ પ્રાણી,દેવ કે વસ્તુ તરફ સીધી દ્રષ્ટિ કરશો તેનો તુરંત જ
નાશ થઈ જશે અને તેનું મસ્તક ધડથી અલગ થઈ જશે. જ્યારે હું ધ્યાનમાંથી મુક્ત થયો ત્યારે મેં મારી સતી પત્નીને શાંત કરી.તેને પણ પોતાના ક્રોધાવેશમાં આપેલા શાપ પર ભારે પશ્ચાતાપ થયો પરંતુ આપાયેલો શાપ પાછો ખેંચવો અશક્ય હતો. માતાજી ! જીવહિંસાના ભયથી અને કોઈનું અહિત ન થાય તે માટે હું સ્વાભાવિક રીતે જ મારૂં મસ્તક નીચું રાખું છું અને કોઈની સામે જોતો નથી. આ સાંભળીને પાર્વતીજી મુસ્કુરાયા અને તેમને લાગ્યું કે શનિદેવનો આ શાપ સામાન્ય જીવો માટે હશે પરંતુ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ તેમના પુત્ર પર આ શાપની કોઈ અસર નહીં થાય.
પાર્વતીજીનો આગ્રહ અને બાળ ગણેશનું મસ્તક છેદન..
માતા પાર્વતીએ શનિદેવને કહ્યું કે હે શનિદેવ ! આપ કોઈ જ ભય ન રાખો.મારા બાળ ગણેશ સર્વશક્તિમાન છે.આપ આપની આંખો ઊંચી કરો અને મારા પુત્ર અને મારી સામે જુઓ, તેના મુખમંડળનું તેજ આપના તમામ દોષો અને ભયને દૂર કરશે. શનિદેવ ગણેશજી તરફ જોવા માંગતા ન હતા પરંતુ સૃષ્ટિની માતા પાર્વતીના આદેશનો અનાદર કરવો પણ તેમના માટે શક્ય ન હતો તેથી ધર્માત્મા અને
વિવેકી શનિદેવે અત્યંત સાવધાનીપૂર્વક ધીમેથી પોતાની આંખના ખૂણાથી-ત્રાંસી દ્રષ્ટિથી બાલ-ગણેશ તરફ જોયું. જેવી શનિદેવની ત્રાંસી દ્રષ્ટિ બાલ-ગણેશના મુખ પર પડી કે તુરંત જ બાળ ગણેશનું તેજસ્વી મસ્તક ધડથી અલગ થઈ ગયું ! તે દિવ્ય મસ્તક આકાશ માર્ગે ઊડીને ભગવાન શ્રીકૃષ્ણના પરમ ધામ ગોલોકમાં પહોંચી ગયું અને શ્રીકૃષ્ણના વિગ્રહમાં વિલીન થઈ ગયું કારણ કે ગણેશજી સ્વયં શ્રીકૃષ્ણના જ અંશ હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને કૈલાસ પર હાહાકાર મચી ગયો.પોતાના નવજાત પુત્રને મસ્તક વિના લોહીલુહાણ જોતાં જ માતા પાર્વતીજી અત્યંત વિલાપ કરતાં કરતાં બેભાન-મૂર્છિત થઈને ઢળી પડ્યા.તેમની સખીઓ જયા-વિજયા અને શિવગણો કલ્પાંત કરવા લાગ્યા.
ભગવાન શ્રીહરિ વિષ્ણુનું પ્રાગટ્ય અને ગજેન્દ્ર મસ્તકનું આરોપણ..
કૈલાસ પર વ્યાપેલી અરાજકતા અને માતા પાર્વતીની દયનીય સ્થિતિ જોઈને જગતના પાલનહાર ભગવાન શ્રીહરિ વિષ્ણુ તુરંત પોતાના વાહન ગરૂડ પર સવાર થઈને ઉત્તર દિશા તરફ નીકળી પડ્યા. શ્રીહરિ ઉત્તર દિશામાં આવેલી પવિત્ર પુષ્પભદ્રા નદીના કિનારે પહોંચ્યા,ત્યાં એક સઘન વનમાં તેમણે એક મહાબલી ગજેન્દ્ર-હાથીને જોયો,જે પોતાની હાથણીઓ અને નાના બાળકો સાથે ઘેરાઈને ગાઢ નિદ્રામાં સોયેલો હતો.
ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે તે ગજેન્દ્રનું મસ્તક કાપી લીધું અને મનના વેગથી ઉડીને ક્ષણવારમાં કૈલાસ પરત આવ્યા. શ્રીહરિ વિષ્ણુએ દિવ્ય મંત્રોચ્ચાર સાથે તે હાથીના મસ્તકને બાળ ગણેશના ધડ પર ગોઠવી દીધું અને તેમાં પ્રાણ પૂરીને બાળકને પુનર્જીવિત કરી દીધું.હાથીનું મુખ ધારણ કરવાને કારણે બાલ-ગણેશ ત્યારથી ગજાનન અને ગજમુખ તરીકે બ્રહ્માંડમાં વિખ્યાત થયા.
ભગવાન વિષ્ણુનો આધ્યાત્મિક ઉપદેશ અને દેવોના આશીર્વાદ..
બાળક જીવંત થતાં જ માતા પાર્વતી મૂર્છામાંથી જાગ્યા પરંતુ પોતાના સુંદર બાળકના ધડ પર હાથીનું મુખ જોઈને તેઓ પુનઃ દુઃખી થવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ માતા પાર્વતીને પરમ આધ્યાત્મિક જ્ઞાન આપતાં કહ્યું કે.. હે માતા પાર્વતી ! આપ તો સ્વયં જગતની બુદ્ધિ અને શક્તિનું સ્વરૂપ છો.શું આપ નથી જાણતાં કે બ્રહ્માજીથી લઈને એક નાનકડા કીટ-પતંગ સુધીનું તમામ જગત પોતાના જ પૂર્વસંચિત કર્મોનું ફળ ભોગવે છે? સુખ-દુઃખ,ભય-શોક અને આનંદ એ બધું જ જીવના પોતાના કર્મોનું પરિણામ છે.આ ગજેન્દ્ર પણ પૂર્વજન્મમાં એક મહાન શાપિત જીવ હતો,જેને આજે મારે હાથે મુક્તિ મળી છે અને તેના મસ્તકને ગણેશ જેવા પરબ્રહ્મનું ધડ પ્રાપ્ત થયું છે. ભગવાન વિષ્ણુના આ શાસ્ત્રોક્ત અને જ્ઞાનવર્ધક વચનો સાંભળીને માતા પાર્વતીજી સંતુષ્ટ થયા.
ભગવાન વિષ્ણુએ પોતાના ગળામાંથી અત્યંત કિંમતી કૌસ્તુભ મણિ કાઢીને બાલ-ગણેશના ગળામાં પહેરાવ્યો.બ્રહ્મા,શિવ અને વિષ્ણુએ મળીને ગણેશજીને ત્રિલોકમાં પ્રથમપૂજ્ય અને સર્વ વિઘ્નહર્તા બનવાનું સાર્વભૌમ વરદાન આપ્યું.
પોતાના પુત્રનું મૂળ મસ્તક ગુમાવવાના શોકમાં માતા પાર્વતીજીએ ક્રોધાવેશમાં આવીને શનિદેવને શાપ આપ્યો કે હે શનિ ! તારા કારણે મારા પુત્રની આ દશા થઈ છે તેથી તું અત્યારે જ અંગહીન પંગુ/લંગડો થઈ જા. જ્યારે સૂર્યદેવ અને અન્ય દેવતાઓએ પાર્વતીજીને વિનંતી કરી કે શનિદેવનો કોઈ દોષ નહોતો તેઓ તો આપની જ આજ્ઞાનું પાલન કરી રહ્યા હતા ત્યારે માતા પાર્વતીજીનો ક્રોધ શાંત થયો. પાર્વતીજીએ શાપમાં રાહત આપતાં કહ્યું કે શનિદેવ સંપૂર્ણ અંગહીન નહીં થાય પરંતુ તેમની એક ચાલ ધીમી-મંદ થઈ જશે તેથી જ શનિદેવને શ્નૈશ્ચરએટલે કે ધીમી ગતિએ ચાલનારા કહેવામાં આવે છે.
આલેખન:
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




